ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા દ્વારા કારડીયા રાજપૂત સમાજ વિશે અપમાનજનક ટીપ્પણી કરવાના મામલાએ આકરૂ રૂપ ધારણ કર્યું છે. ભાજપ પ્રમુખે પક્ષ કરતા કારડીયા રાજપૂત સમાજને નાનો ગણાવતા કારડીયા રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયો છે તેના વિરોધમાં ગઈકાલે સિહોર ખાતે કરણી સેના દ્વારા જિલ્લા પ્રમુખના પૂતળાનું દહન કર્યું હતું અને તેના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી જેનાથી સમગ્ર ભાજપ તથા રાજકીય પક્ષોમાં ભારે ગરમાવો આવ્યો છે. આ વિવાદ આગળ વધતો જાય છે અને ગામે ગામથી કારડીયા રાજપૂત સમાજના કાર્યકરો સોશિયલ મીડિયા પર રોષ પ્રદર્શિત કરી રહ્યા છે તેમજ કેટલાક કાર્યકર્તાઓ તો મુકેશ લંગાળીયાને ફોન કરી કરીને પોતાનો રોષ અને લાગણી વ્યક્ત કરી રહ્યા છે. સિહોર ખાતે ભાવનગર જિલ્લા ભાજપની બેઠક મળી હતી જેમાં જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયા એ ગેરહાજર રહેલા તાલુકા મહામંત્રીની નોંધ લીધી હતી. જેમાં વિજયસિંહ ચુડાસમા દ્વારા તેઓ કારડીયા રાજપૂત સમાજના કાર્યક્રમમાં છે તેમ જણાવતા પ્રમુખ લંગાળીયા ગુસ્સે ભરાયા હતા અને ભાજપ મોટો કે કારડીયા રાજપૂત સમાજ? તેવુ વિધાન કરેલ જેની એક મિનિટની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા કારડીયા રાજપૂત સમાજ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખે સમાજના કરેલા અપમાનથી રોષ ઠાલવ્યો હતો જિલ્લા પ્રમુખે આ ઉપરાંત ગેરહાજર રહેનારના રાજીનામા લઈ લેવાની પણ વાત કરતા સમાજમાં ભારે રોષ ફેલાયેલ. અને ભારે નારાજગી વ્યક્ત થઇ રહી છે.
જિલ્લા ભાજપ પ્રમુખના નિવેદનના વિરોધમાં કરણીસેના દ્વારા મુકેશ લંગાળીયાના પુતળાનુ દહન કરવામાં આવ્યું હતું અને તેમના રાજીનામાની પણ માગ કરી હતી. આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખના કારડીયા રાજપૂત સમાજ વિશેના નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોતાના વર્તન અને વ્યવહાર માટે જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા હંમેશા ચર્ચામાં રહ્યા છે. નાના કાર્યકર હોય કે પક્ષના કોઇ આગેવાન કે હોદ્દેદાર મુકેશ લંગાળીયા કોઇને ગણતા નથી અને કોઇનો ફોન ઉઠાવતા નથી તે ફરિયાદ તેમની સામે પહેલેથી જ છે. જ્યારે એક સમાજ વિશે ઘસાતુ બોલી સમગ્ર પક્ષને વિવાદમાં હોમી દેનાર મુકેશ લંગાળીયા સામે હવે ખુદ પક્ષના કાર્યકર્તાઓ જ છુપો રોષ વ્યક્ત કરી રહ્યા છે. શિસ્તના કારણે કોઇ જાહેરમાં બોલવા તૈયાર નથી પરંતુ આ ઘટનાથી ભાજપના કાર્યકર્તાઓ પણ નારાજ થયા છે અને મુકેશ લંગાળીયા પર લગામ કસવા માંગણી અને લાગણી ઉઠી છે.
પ્રમુખ મુકેશ લંગાળીયાએ વિડીયો મારફત માફી માંગી
છેલ્લા બે દિવસથી કારડીયા રાજપૂત સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરવાના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપથી જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા ખૂબજ વિવાદમાં આવ્યા છે ગઈકાલે કરણી સેના દ્વારા શિહોર ખાતે તેમના પૂતળાનું દહન કરવા ઉપરાંત સૂત્રોચાર સાથે રાજીનામાની માંગ કરાયા બાદ આખરે ગત રાત્રીના જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ એક વિડીયો મારફત સમગ્ર કારડીયા રાજપૂત સમાજની માફી માંગી હતી અને ખુલાસો કરતા જણાવેલ કે કોઈએ વાતનું રેકોર્ડ કરી સિલેક્ટ કરીને એડિટિંગ કરી ઓડિયો વાયરલ કરેલ છે તેમણે વીડિયોમાં હું કારડીયા રાજપૂત સમાજના નાનામાં નાના વ્યક્તિઓની પણ હૃદય પૂર્વક માફી માંગુ છુ તેમ જણાવેલ અને મારું કામ સમાજને જાેડવાનું છે કોઈને લાગણીને ઠેસ પહોંચાડવાનુ નહીં તેમ વધુમાં જણાવેલ.