ભાવનગરમાં લગભગ ચાર માસના વિરામ બાદ મ્યુ.તંત્રએ રખડતા પશુઓ પકડવાની કાર્યવાહી તો હાથ ધરી છે પરંતુ ઇચ્છાશક્તિનો અભાવ રહેલો છે, કારણ કે શહેરમાં ૨ હજાર કરતા પણ વધુ પશુઓ માર્ગો પર રખડી રહ્યા છે તેની સામે કોર્પોરેશન ૫ – ૧૫ ઢોર પકડે છે.! આ જાેતા શહેરમાંથી રખડતા પશુનો નજીકના ભવિષ્યમાં કોઈ હલ દેખાતો નથી. જાે કે, હાલ તો રાજ્ય સરકારને હાઇકોર્ટે ફટકાર લગાવ્યા બાદ ઉપરથી દબાણ આવતા ભાવનગર મહાપાલિકાએ રવિવારે રજાના દિવસે પણ ઢોર પકડવાનું શરૂ રાખ્યું હતું અને આઠ પશુઓને ડબ્બે પુર્યાં છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા દરરોજે દરરોજનું રિપોર્ટીંગ કરવા મહાપાલિકાને સુચના મળી છે.
ભાવનગરમાં ઠેર ઠેર ડેરા તંબુ તાણી રખડતા ઢોર યમદૂત બનીને ઘણાં લોકોનો જીવ પણ લઈ ચુક્યા છે. તેમ છતાં સત્તાધિશો, સરકારી તંત્ર અને વિપક્ષના નબળા અવાજના પ્રતાપે ભાવનગરને રખડતા ઢોરમાંથી મુક્તિ મળી શકી નથી. હવે જાહેર હિતની અરજી બાદ હાઈકોર્ટે આક્રમક મિજાજ દેખાડયો છે, ત્યારે ભાવનગરમાં ચાર-પાંચ મહિના બાદ ફરી ઢોર પકડવાનું મુહૂર્ત નીકળ્યું છે. શનિવારે પ્રથમ દિવસે ૧૦ ઢોરને ડબ્બે પુરવામાં આવ્યા હતા.
શહેરમાં રખડતા ઢોરના ત્રાસની અસંખ્ય ફરિયાદો હોવા છતાં પણ મ્યુનિ. તંત્ર દ્વારા છેલ્લા ચાર-પાંચ માસથી ઢોર પકડવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયું હતું. ચોમાસામાં રખડતા ઢોરનો ત્રાસ વધી જતો હોવા છતાં પણ લમ્પીનું બહાનું આગળ ધરી રસ્તે રખડતા ઢોર પકડવામાંથી હાથ ખંખેરી લેવામાં આવતા હતા. પરંતુ હવે કોર્પોરેશનને હાઈકોર્ટના ડરથી ના છુટકે ઢોર પકડવાની કામગીરીને પુનઃ શરૂ કરવી પડી છે.
માલધારીઓ માટે યોજનાઓની વાતો અનેક થઇ કામગીરી નહીં
ભાજપ સરકાર દ્વારા અગાઉ મુખ્યમંત્રી રૂપાણીના કાર્યકાળ દરમિયાન શહેરની બહાર માલધારીઓને પશુઓના નિભાવ માટે વાડા માટે જમીન ફાળવવા વાત થઇ હતી પરંતુ રૂપાણીના જવા સાથે જ આ વાત પણ વિસરાઇ ગઇ છે. તાજેતરમાં રાજ્ય સરકારે માલધારીઓના પશુઓ પોતે સાચવશે તેવી એક નવી યોજનાની વાત કરી છે. સરકારી યોજના નક્કર સ્વરૂપ ધારણ કરે તો શહેરોમાંથી રખડતા પશુઓનો ત્રાસ દુર થાય સાથે માલધારીઓને પણ ફાયદો થાય અને પશુપાલનનો વ્યવસાય યોગ્ય રીતે કરી શકે તેમ છે.
આગામી દિવસોમાં બે ટીમો કામે લાગશે
મહાપાલિકામાં પશુ નિયંત્રણની જવાબદારી સંભાળતા ડો.મહેશ હીરપરાએ જણાવ્યું હતું કે, હાલ કોન્ટ્રાક્ટ એજન્સીની એક ટીમ દ્વારા ઢોર પકડવાની કામગીરી થઇ રહી છે. સક્ષમ સત્તાની મંજૂરી બાદ વધુ એક ટીમ કામે લગાડાશે. આ માટે પર્યાપ્ત વાહનની વ્યવસ્થા કોર્પોરેશન પાસે છે.