ભાવનગરમાં ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર નિકોલની કાજલ પટેલ ભાજપના કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુસાળી હત્યા કેસની આરોપી મનીષા ગોસ્વામીની બહેનપણી હોવાનું બહાર આવ્યું છે એટલું જ નહીં કાજલ મનીષાની સાગરીત હોવાનું સામે આવ્યું છે. મનીષાને જામીન અપાવવા માટે ભાવનગરના ડોક્ટર કાતરીયાને મળી હતી. મનીષાના બિમાર દિકરાની બિમારી અંગે પણ ચર્ચા કરી હતી. જાેકે બાદમાં તેનો જ વિડીયો બનાવી હનીટ્રેપમાં ફસાવી ૨ કરોડની ખંડણી માંગી હતી. ઉલ્લેખનીય છે કે, મનીષા ગોસ્વામી સામે પણ હનીટ્રેપના આક્ષેપો થઇ ચુક્યા છે.
ભાવનગરમાં આવેલા આખલોલ જકાતનાકા ખાતે દલપત કાતરીયા (ઉ.૩૪) પરિવાર સાથે રહે છે. દલપતભાઇ હોમીયોપેથીક ડોક્ટર છે અને શિવાલીક હોસ્પિટલ આખલોલ જકાતનાકા ભાવનગરનું મેનેજમેન્ટ કરે છે. નિલકંઠ વિદ્યાપીઠ તળાજા ખાતે સ્કુલ તથા નિલકંઠ આરોગ્ય ધામ સુરત ખાતે ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. તેમના મોબાઇલ ફોન પર ગત માર્ચ મહિનામાં એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં ફક્ત ‘હાય’નો મેસેજ અને કોલ આવ્યો હતો.
આ મેસેજ અમદાવાદની કાજલ પટેલ નામની વ્યક્તિનો હતો અને તેણે ડોક્ટર દલપત સાથે મિત્રતા કેળવી હતી. કાજલ રોજબરોજ વાત કરતી હોવાથી તેને ખ્યાલ આવી ગયો હતો કે, ક્યા સમયે ડોક્ટર ક્યા જાય છે. ડોક્ટર કાતરીયા સુરત ગયા ત્યારે તેમણે હોટલ બુક કરાવી આપી હતી. કાજલને તેના પતિ સાથે ઝઘડો ચાલતો હોવાનું કહીને મદદ માટે કહ્યું હતું. જેથી દલપતે ૫૦ હજારની મદદ કરી હતી.
કાજલે તેની બહેનપણી મનીષા ગોસ્વામી જે જ્યંતિ ભાનુસાળી હત્યા કેસમાં જેલમાં છે તેને જામીન અપાવવા માટે અને તેનો દિકરો બિમાર હોવાથી તેની સારવાર માટે પણ વાત કરી હતી. બાદમાં કાજલે ઠંડા પીણાં કંઇ પીવડાવી દીધું હતુ અને પછી શું થયુ તેની જાણ દલપતને ન હતી ! આ ઘટના બાદ બ્લેકમેઇલ માટે કોલ આવતા આખરે ખ્યાલ આવ્યો હતો. બાદમાં સાગરીતો ધ્વારા બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, કાજલ તો મનીષા ગોસ્વામી જે કચ્છના પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુસાળી હત્યા કેસમાં આરોપી છે તેની સાગરીત છે અને મનીષા સામે પણ હનીટ્રેપની ફરિયાદો થઇ ચુકી છે. આમ મનીષા અને કાજલે ભેગા મળીને પણ કોઇને ફસાવ્યા નથી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.