ગુજરાતમાં અત્યારે પ્રવર્તમાન સ્થિતિ જોઇએ તો રખડતા ઢોરો સામે હાઇકોર્ટે રાજ્ય સરકારને કામગીરીના આદેશ આપ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાની સ્થિતિ બદ્દત્તર બની છે. ઠેરે ઠેર ખાડા અને કોઝવે ધોવાણની ઘટના બની છે. તો ક્યાંક વરસાદને કારણે પાણી ભરાતા ઘરવખરી તથા ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યની આ તમામ સમસ્યાઓને લઇને ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક મળશે.
ચોમાસુ સત્રના આયોજન માટે આજે કેબિનેટ બેઠક મળશે. 14મી વિધાનસભાનું અંતિમ સત્ર સપ્ટેમ્બરમાં મળી શકે છે. 22 અને 23 સપ્ટેમ્બરે 2 દિવસનું ટૂંકુ સત્ર મળી શકે છે. જેમાં રાજ્યમાં લીલા દુષ્કાળ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જળાશયોની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત તૂટેલા રોડ રિપેરિંગની કામગીરીની સમીક્ષા કરાશે. આ ઉપરાંત રખડતા ઢોર મામલે HCની ટકોર બાદ કામગીરી મુદ્દે સમીક્ષા પણ કરાશે. પાક નુકસાનીના સર્વે પર ચર્ચા કરવામાં આવશે તેમજ રાજ્યમાં લમ્પી વાયરસના કહેર અંગે ચર્ચા કરવામાં આવશે.
3 દિવસમાં 8 હજાર ઢોર પકડ્યા
મહત્વનું છે કે રખડતાં ઢોર સામે હાઇકોર્ટના આદેશ બાદ કડક વલણ અપનાવ્યું છે. રાજ્યમાં ત્રણ દિવસમાં 8 હજાર ઢોર પકડ્યાં. ત્રણ દિવસમાં કુલ 844 ફરિયાદ પણ નોંધાઈ. જો કે ગુજરાતમાં હજુ 40% ઢોર પકડવાના બાકી છે. રાજ્યમાં કુલ 52 હજાર 62 જેટલાં ઢોર હોવાનો અંદાજ છે જેમાં 8 મનપામાં 31 હજાર 952 અને 156 પાલિકામાં 20,110 ઢોર છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 33 હજાર 806 ઢોર પકડાયા. જેમાં ચાલુ વર્ષમાં 8 મહાનગરોમાં 23 હજાર 369 અને પાલિકામાં 10 હજાર 437 ઢોર પકડ્યા. જ્યારે ચાલુ વર્ષે રખડતાં ઢોર અંગે 8 મહાનગરોમાં 841 ફરિયાદ નોંધાઈ. તો 156 નગરપાલિકામાં 3 ફરિયાદ નોંધાઈ છે.