ઇરાકમાં અરાજકતાની સ્થિતિ પેદા થઇ છે. સોમવારે પાવરફુલ શિયા મુસ્લિમ ધર્મગુરૂ મુક્તદા અલ-સદરે રાજનીતિ છોડવાનું એલાન કરી દીધુ, જ્યારબાદ પરિસ્થિતિ વધુ બગડી ગઈ. બગદાદમાં ધર્મગુરૂના સમર્થકો અને ઈરાન સમર્થિત લોકો વચ્ચે ઘર્ષણ થઇ ગયું. ઘટનામાં 8 લોકોના મોત થઇ ગયા. ટોળાએ રાષ્ટ્રપતિ ભવન અને સરકારી બિલ્ડિંગ્સ પર ચડાઈ કરી દીધી છે. અમેરિકી દૂતાવાસના કર્મચારીઓને હેલિકોપ્ટરથી ગ્રીન ઝોનથી બહાર કાઢવામાં આવ્યા.
પ્રદર્શનકારીઓ પર કાબૂ મેળવવા માટે સેના આંસૂ ગેસના ગોળા છોડી રહી છે. આ વચ્ચે, ટોળું પ્રેસિડેન્ટ્સ પુલમાં સ્વિમિંગ પણ કરી રહ્યું છે. ધર્મગુરૂના સમર્થક રિપબ્લિક પેલેસના સ્વિમિંગ પુલમાં મસ્તી કરી રહ્યા છે.
છેલ્લા 10 મહિનાથી ન કોઈ સ્થાઈ પ્રધાનમંત્રી છે. ન કોઈ મંત્રિમંડળ છે અને ન કોઈ સરકાર છે. જેના કારણે ત્યાં રાજકીય અરાજકતાની સ્થિતિ બનેલી છે. એટલે જેમ શ્રીલંકામાં રાજકીય સંકટ બાદ ટોળાએ સંસદને બંધક બનાવી લીધી હતી. હવે તેવી પરિસ્થિતિ ઇરાકમાં બની ચૂકી છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સના અનુસાર, સોમવારે મૌલવીની રાજનીતિ છોડવાના નિર્ણયથી તેમના સમર્થકોમાં નારાજગી વધી ગઈ અને તેઓ રોડ પર ઉતરી આવ્યા. આ લોકોની તેહરાન સમર્થિત લોકોની સાથે અથડામણ થઇ ગઈ. તેમણે બગદાદના ગ્રીન ઝોનની બહાર એકબીજા પર પથ્થર માર્યા. જણાવી દઇએ કે, આ વિસ્તારમાં મંત્રાલયો અને દૂતાવાસોમાં રહેનારાના ઘર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્ટ્રલ બગદાદમાં ગોળીઓના અવાજ સંભળાયા. હવાઈ ફાયરિંગ કરાતા ચકચાર મચી ગઈ. પોલીસ અને ડૉક્ટર્સ તરફથી જણાવાયું કે અથડામણમાં 8 લોકોના મોત થઇ ગયા અને 19 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. એ પણ જણાવ્યું કે શિયા ધર્મગુરૂના રાજનીતિ છોડ્યા બાદ પરિસ્થિતિ બગડવા અને તેમની જાહેરાતના કેટલાક કલાકો બાદ ઘર્ષણ વધ્યું. જોકે, ગ્રીન ઝોનમાં સ્થિત સંસદમાં શિયા ધર્મગુરૂના સમર્થક એક અઠવાડિયાથી ધરણા આપી રહ્યા હતા. તેમને પોતાના નેતાના રાજનીતિ છોડવાના એલાન અંગે જાણ થતા તેઓ ઉગ્ર થઇ ગયા.