ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવવાના નિતનવા પેંતરા રચાઇ રહ્યા છે. હવે તો ડ્રગ્સનું માર્કેટ ઓનલાઇન પણ ફૂલ્યુ ફાલ્યું છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ, વડોદરા, કચ્છ તથા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ડ્રગ્સનું જથ્થો ઝડપાઇ રહ્યો છે. ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ પેડલરો આવા ગોરખધંધા કરતા અચકાતા નથી. જો કે આવા ગેરકાયદેસરના કામકાજ સામે પોલીસ લાલઆંખ કરી રહી છે. કાર્યવાહી કરે છે પરંતુ દિવસ જાય તેમ આવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ડ્રગ્સ એડિક્શનને લઇને સરવેમાં એક ચોંકાવનારું તારણ સામે આવ્યું છે.
ગુજરાતમાં 7 લાખ યુવાનો ડ્રગ્સ એડિક્ટ હોવાનું સરવેમાં સામે આવ્યું છે. તેમાં પણ અમદાવાદના 10 ટકા યુવાનો ડ્રગ્સ લેતા હોવાનું તારણ છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ડ્રગ્સનો વપરાશ વધ્યો છે. અધિકારીઓ અને માલેતુજારોના સંતાનો ડ્રગ્સ એડિક્ટ બન્યા હોવાનો સરવેમાં ખુલાસો થયો છે. એટલે કે કહી શકાય કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના દૂષણને નાથવા ગુજરાતમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે પોલીસ માટે ડ્રગ્સ રેકેટને નાબૂદ કરવાનો નવો પડકાર ઉભો થયો છે.
આ સરવે IIM-Aના રિસર્ચ એસોસિયેટ ડૉ.એજાજ શેખે દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ અમદાવાદના અલગ-અલગ 25 વોર્ડમાં સર્વે કર્યો. જેમાં સામે આવ્યું કે 16થી 35 વયના 45 ટકા યુવાનો ઓકેશનલી ડ્રગ્સ લે છે. આ સરવેમાં વોર્ડ દીઠ 20 યુવાનોને સરવેમાં સાંકળવામાં આવ્યા. જે પરથી સરવે કરાતા તારણ સામે આવ્યું કે અમદાવાદમાં ડ્રગ્સ કલ્ચર ડેવલપ થઇ રહ્યું છે. સ્ટ્રીટ ડ્રગ્સ પેડલરનું નેટવર્ક અમદાવાદમાં સક્રિય થઇ રહ્યું છે. તેમાંપણ ખાસ કરીને અમદાવાદમાં સિન્થેટિક ડ્રગ્સનું પ્રમાણ વધુ હોવાનું તારણ સામે આવ્યું છે.
ડ્રગ્સ એડિક્ટ થવાનું કારણ શું ?
જો કે ડ્રગ્સ એડિક્ટ બનવાના કારણોમાં જોઇએ તો ડિપ્રેશન અને રિલેશનશિપ-બ્રેકઅપ મુખ્ય કારણો છે. આ બંને કિસ્સામાં યુવાનો વધુ ડ્રગ્સ એડિક્ટ બને છે. યુવાનો એટલી હદે ડ્રગ્સ એડિક્ટ બન્યા છે કે ઘણા યુવાનો તો ઘરે જ ડ્રગ્સ બનાવવા લાગ્યા હોવાનું આ સરવે પરથી તારણ કાઢવામાં આવ્યું છે. કેમિકલ ડ્રગ્સ લોકલ લેવલે પ્રોડ્યુસ થવાનું પણ શરૂ થયું છે.