દેશમાં કોઈ પણ વ્યક્તિ, કુટુંબ ઘર વિહોણું ન રહે એ માટે વડાપ્રધાન આવાસ યોજના તેમજ મુખ્યમંત્રી આવાસ યોજના અમલી છે પરંતુ ભાવનગરમાં ૨૫૦૦ જેટલા ઘર વિહોણા લોકોએ પીએમ આવાસ યોજના માટે ૨૦૧૯માં પૈસા ભર્યા છતાં આજદિન સુધી ઘરનું ઘર નથી મળ્યું અને ઠેબા ખાવા મજબુર છે, હાઉસિંગ બોર્ડની ઢીલી નીતિ અને બોગસ વહીવટના કારણે લાભાર્થીઓને ઘર તો મળ્યું નથી પરંતુ બેંકલોનના હપ્તા અને વ્યાજ શરૂ થઈ જતા પડ્યા પર પાટું જેવી જિંદગી વિતાવી રહ્યા છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરના તરસમિયા ફિલ્ટર પલાન્ટ, જીએમડીસી કોલોની નજીક પીએમ આવાસ યોજના બાંધવા ૨૦૧૬માં જાહેરાત કરી ફોર્મ ભરાયા હતા જેમાંથી ૨૪૯૬ લાભાર્થીની ડ્રો પદ્ધતિથી ૨૦૧૯માં પસંદગી થઈ હતી અને બેંક લોનની વ્યવસ્થા કરી આપી લાભાર્થી પાસેથી લોન કરાવી હાઉસિંગ બોર્ડે પૈસા પણ મેળવી લીધા છે. ૮૦% લાભાર્થીએ બેંકલોન માટે એગ્રીમેટ કર્યા છે, પ્રથમ ફેઝમાં ૮૦૦ આવાસો જૂન ૨૦૨૨માં ફાળવી દેવાના કરાર હતા પરંતુ ૧ વર્ષથી કામ જ બંધ છે.આથી આવાસ તો મળ્યા નહીં પરંતુ લોન આપનાર બેંકએ હપ્તો અને વ્યાજ વસુલવાનું શરૂ કરી દેતા લાભાર્થીઓન૮ મુશ્કેલી વધી પડી છે અને પોતે છેતરાયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.
જાણકારી મુજબ કોરોના મહામારી અને બાદમાં ભાવવધારાની માંગને કારણે કામ બંધ રહેતા એજન્સીનું કામ રદ્દ કરી દેવાયું છે. નવું ટેન્ડર પણ થઈ ગયું છે પરંતુ હાઉસિંગ બોર્ડની ઢીલી નીતિ અને બોગસ વહીવટના કારણે વર્ક ઓર્ડર હજુ અપાયો નથી. કોઈ કારણવગર સમય પસાર થઈ રહ્યો છે આથી ગરીબોના ઘરના બાંધકામ અટકી પડ્યા છે અને ગરીબ, મધ્યમવર્ગ પરિવાર પોતાના હાલના રહેઠાણના ભાડા ઉપરાંત ઘર મળ્યું નથી તેના હપ્તા ભરતો અને વ્યાજના ચક્કરમાં પીસાતો થઈ ગયો છે.
હાઉસિંગ બોર્ડ દ્વારા પીએમ આવાસ યોજના અંતર્ગત ૩ લાખની કિંમતના ૧૭૨૮ આવાસ ૨૮ ચો.મી ના અને ૫.૫૦ લાખની કિંમતના ૬૬૮ આવાસ ૩૫ ચો.મી.ના બનાવવા યોજના જાહેર કરી લાભાર્થીઓ પાસેથી પૈસા લઈ લેવાયા છે. ૨૪૯૬ આવાસ પૈકી ૧ હજાર આવાસમાં તો માત્ર ૧૦% કામ બાકી છે પરંતુ ૧ વર્ષથી પ્રોજેકટ ઠપ્પ છે જયારે કુલ પ્રોજેક્ટનું ૫૦% કામ બાકી હોવાની જાણકારી મળી રહી છે. એક તરફ મો ફાટ મોંઘવારી છે અને ગરીબ, મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે. મિલકતોના ભાડા પણ અસહ્ય બન્યા છે ત્યારે ઘરના ઘર માટે ૩ વર્ષથી રાહ જાેઈ રહેલા પરિવારોને હજુ કેટલી રાહ જાેવી પડશે ? તેમ લાભાર્થીઓ પૂછી રહ્યા છે.