તળાજા તાલુકાના મોટી બાબરિયાત ગામમાં રહેતા યુવક અને તેના કૌટુંબિક કાકા ઉપર બે શખ્સે હુમલો કરતા ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મોટી બાબરિયાત ગામમાં રહેતા પ્રવીણભાઈ પોપટભાઈ મહેરા અને તેના કૌટુંબીક કાકા મૂળજીભાઈ મહેરા તળાજાથી હટાણું કરી મોટી બાબરિયાત ગામ પર આવી રહ્યા હતા ત્યારે ગામ નજીક ગોપાલ ગગજીભાઈ વાઘેલા અને જયપાલ જાેરુભાઈ વાઘેલાએ તેમનું મોટરસાયકલ અટકાવી ગાળો આપી, લાકડી અને રબ્બરના વાયર વડે હુમલો કર્યો હતો, અને હવે પછી કોઈ દિવસ શેરીમાં હોર્ન વગાડશો કે ત્યાં ઊભા રહેશો તો માર્યા વગર છોડશુ નહીં તેવી ધમકી આપી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત પ્રવીણભાઈ ને સારવાર અર્થે તળાજાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
આ બનાવ અંગે પ્રવીણભાઈ મહેરાએ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે તપાસ હાથ ધરી છે.