ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એ.ટી.એમ.સેન્ટરમાં આગ લાગતા એ.ટી.એમ.મશીન સહિતના મશીનો ભસ્મીભૂત થઈ ગયા હતા.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના વિદ્યાનગર બસ સ્ટોપ પાસે,પ્લોટ નં.૯૫ માં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એ.ટી.એમ.સેન્ટરમાં આજે વહેલી સવારે ૪ વાગ્યા આસપાસ કોઈ કારણોસર આગ લાગી હતી.
આગની આ ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને અડધી ગાડી પાણીનો છાંટી આગ બુઝાવી હતી.
આગની આ ઘટનામાં એ.ટી.એમ.મશીનો,પાસબુક એન્ટ્રી માટેનું મશીન,બે એ.સી.સહિતની સામગ્રીઓ આગની લપેટમાં આવી ગઈ હતી.આગ લાગવાનું કારણ કે નુકસાની જાણી શકાઈ ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.