આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા રાજ્યભરમાં વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહી જે-તે જિલ્લાના હોદ્દેદારોને સાથે રાખી આગામી ચૂંટણીની સમિક્ષા કરવા ઉપરાંત જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન અપાનાર છે જેના ભાગરૂપે ભાવનગર ખાતે આગામી તા.૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આવી રહ્યા છે અને બન્ને દિવસ ભરચક કાર્યક્રમો યોજવામાં આવનાર છે જેમાં શહેરના જવાહર મેદાન ખાતે પાટીલની ઉપસ્થિતિમાં વિશાળ બાઇક રેલી યોજવામાં આવશે તેમજ શનિવારે સાંજે ૪.૩૦ કલાકે ભાજપની પેજ સમિતિનું સંમેલન યોજવામાં આવનાર છે જેમાં હજારો કાર્યકરો ઉપસ્થિત રહેનાર હોય જવાહર મેદાન ખાતે ડોમ સહિતની કામગીરીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આખરી ઓપ અપાઇ રહ્યો છે. પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા યુનિવર્સિટી ખાતે પણ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે આ ઉપરાંત રવિવારે પણ સાધુ-સંતો, સાહિત્યકારો અને કલાકારો સાથે બેઠક યોજાવા ઉપરાંત માર્કેટીંગ યાર્ડમાં લાભાર્થીઓ અને મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાશે તેમજ ઝવેરચંદ મેઘાણી હોલમાં ખેડૂત આગેવાનો, સહકારી આગેવાનો, શિક્ષકો, નિવૃત્ત અધિકારીઓ-કર્મચારીઓ, વકીલ, ડોક્ટર, સી.એ. એન્જિનીયર અને બિલ્ડરો સાથે પણ મિટીંગો યોજવામાં આવનાર છે. આમ પ્રદેશ પ્રમુખ પાટીલના વન ડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત ભાવનગરના કાર્યક્રમ અંગે જવાહર મેદાન ખાતે ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. (તસવીર : મૌલિક સોની)