વિધાનસભાની ચૂંટણી ગાજી રહી છે ત્યારે જ ભાજપે કથિત ભ્રષ્ટાચાર મામલે બે નગરસેવકોને સ્ટેન્ડીંગમાંથી દૂર કરવાની ફરજ પડી છે ત્યારે કોંગ્રેસે આ મુદ્દો બરોબર ઉઠાવી લીધો છે અને વિરોધ દર્શક કાર્યક્રમો હાથ ધર્યાં છે. ગુરૂવારે મહાપાલિકાના પટાંગણમાં યજ્ઞ યોજી અને સ્ટેન્ડીંગ ચેરમેનના ટેબલ પર જાલી ચલણી નોટોનો ખડકલો કરી કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો.
ભાજપ શાસિત ભાવનગર મહાપાલિકામાં છેલ્લા ઘણા દિવસથી ભ્રષ્ટાચાર મામલે વિવાદ જાગ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યોને કમિટીમાંથી રાજીનામા પણ અપાવી દીધા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા કોર્પોરેટર પદ પરથી સસ્પેન્ડ કરવાની માંગ સાથે ભ્રષ્ટાચારી લોકોને સદબુદ્ધિ આપે તે માટે ગુરુવારના રોજ કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં યજ્ઞ કર્યો હતો. તેમજ ખોટા રૂપિયા ચેરમેનને આપી બંને કોર્પોરેટરને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું કે, ભાજપના શાસનમાં મોટા ભાગના કોન્ટ્રાક્ટરો તેઓના મામા-માસીના અથવા તેમના ભાગીદારો વતી જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેથી કામો નબળા પુરવાર થાય છે. છતાં કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવતા નથી. ભાજપ દ્વારા બે કોર્પોરેટરને સ્ટેન્ડિંગ કમિટીમાંથી રાજીનામા અપાવ્યા પરંતુ કોર્પોરેટર તરીકે ચાલુ રાખ્યા. જેઓને નગરસેવક પદેથી પણ રાજીનામું આપવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માગણી કરાઈ છે. તદુપરાંત ભાજપના જે પદાધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો સંડોવાયા હોય તેમની પર પણ કાર્યવાહી કરવા માંગ કરી હતી.