ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને રાષ્ટ્રીય ફુડ પેન્શન પુનઃ સ્થાપન સંયુક્ત મોરચાના ઉપક્રમે જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આજે શહેરમાં શિક્ષકોની વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
શિક્ષકોની પેન્શન નીતિ સહિત વિવિધ માંગ સાથે યોજવામાં આવેલી રેલી તથા આવેદનના કાર્યક્રમ અંગે ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ પરેશભાઇ ત્રિવેદી અને રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના તરૂણભાઇ વ્યાસે જણાવેલ કે નવી પેન્શન યોેજના નાબુદ કરી જુની પેન્શન યોજનાનો અમલ કરવા તેમજ માધ્યમિક શાળાના કર્મચારીઓને સળંગ નોકરી, ગ્રાન્ટેડ શિક્ષકોને બદલીઓ તથા પ્રાથમિક શાળાના એચ.ટાટ આચાર્ય વધ બાબત તેમજ મહાનગર અને ન.પા.માં શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડપે સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે વાંરવાર રજુઆતો કરવા છતા પ્રશ્નનો ઉકેલ નહી આવતા આખરે રેલી અને આવેદનના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.
આ રેલી બહુમાળી ભવનથી નિકળી કલેકટર કચેરીએ પહોચી આવેદનપત્ર આપ્યુ હતું.
આ રેલીમાં વિવિધ સંગઠનો જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, માધ્યમિક શૈક્ષિક મહાસંઘ, આચાર્ય શૈક્ષિક મહાસંઘ, મ્યુ. પ્રા.શૈક્ષિક મહાસંઘ, સરકારી ઉ.મા. શૈક્ષિક મહાસંઘ, ગ્રાન્ટેડ શૈક્ષિક મહાસંઘ, જિલ્લા ગ્રામ સેવક મંડળ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંકલન સમિતિ, વન રક્ષક કર્મચારી મંડળ, અદ્યાપન મંદિર સંઘ સહિત વિવિધ સમાજના સમર્થનથી ધરણા અને રેલીનું આયોજન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ કેસરી પટ્ટી ધારણ કરી જાેડાયા હતા.