ભાવનગરના જુના બંદર વિસ્તાર વીઆઈપી રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સની દુકાનમાંથી ગંગાજળિયા પોલીસે ગેરકાયદેસર ચાલતું હુકકાબાર ઝડપી લઇ પાંચ ઇસમોને રૂ. ત્રણ લાખના મુદ્દામાલ સાથે ઉઠાવી લીધા હતા.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના જુનાબંદર વિસ્તાર, વીઆઈપી રોડ પર આવેલ સ્વરા બિલ્ડિંગના કોમ્પ્લેક્સમાં આવેલ એફ-૫ ઓફિસમાં આદિલભાઈ ઈંદ્રિશભાઈ સોલંકી રહે. નવાપરા પોતાના કબજા અને ભોગવટાની ભાડાની ઓફિસમાં ગેરકાયદેસર રીતે સવલતો પૂરી પાડી હુક્કાબાર ચલાવતા હોવાની બાતમીના આધારે ગંગાજળીયા પોલીસે કોમ્પ્લેક્સમાં આવેલ એફ-૫ ઓફિસમાં દરોડો પાડી હુક્કાબાર ચલાવતા આદિલ ઈંદ્રિશભાઈ સોલંકી, આરીફ ગુલાબભાઈ ચૌહાણ, સમીર મહમ્મદભાઈ ધોળીયા, ફહાદ મોહમ્મદયુસુફભાઈ લાખાણી અને સાદ મુનવરભાઈ બેલીમને ઝડપી લીધા હતા.
ગંગાજળીયા પોલીસે ચાર હુક્કા, હુક્કા ફ્લેવરોની તમાકુના બે ડબ્બા, સ્ટીલનો ચીપીઓ, જારો, તેમજ ૬ મોબાઈલ સહિત કુલ રૂ. ૨,૯૯,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા તમામ વિરુદ્ધ સિગરેટ અને બીજી તમાકુ ઉત્પાદન જાહેરાત, વેપાર અને વાણિજ્ય ધારા હેઠળની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.