વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન પડેલાં ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તત્કાળ રિપેર કરવાં માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન અંતર્ગત ભાવનગર પ્રાદેશિક નગરપાલિકા કમિશનર કચેરીના તાબા હેઠળની ૨૭ નગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નગરપાલિકા વિસ્તારોમાં પડેલા નાના-મોટા પડેલાં ૧,૧૫૬ ખાડાઓમાંથી ૯૩૭ ખાડાઓનું રીપેરીંગ કરી દેવામાં આવ્યું છે. બાકી વધેલાં ૧૪૫ ખાડાઓનું પણ તાત્કાલિક રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે.
નગરપાલિકા કમિશનરની કચેરીના અધિક કલેકટર આર.આર.ડામોર આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, ભાવનગર પ્રાદેશિક નગરપાલિકા નિયામકની કચેરી હેઠળ ૨૭ નગરપાલિકાઓ આવેલી છે. આ તમામ નગરપાલિકાઓમાં પડેલાં ખાડાઓની વિગતો મેળવીને તાત્કાલિક તેના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાની શિહોર ૨૫, પાલીતાણા નગરપાલિકામાં ૧૨૭, તળાજામાં ૫૭, ગારીયાધારમાં ૭૫, મહુવામાં ૧૭ સહિત વલ્લભીપુર નગરપાલિકામાં ૨ ખાડાઓ ઓળખીને તેનું રીપેરીંગ કાર્ય કરવામાં આવ્યું છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકાર દ્વારા આ કામગીરીને અગ્રતા આપવામાં આવી છે. નગરપાલિકા કમિશનર અજય દહિંયાએ આ તમામ નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓને સૂચના આપી છે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટમાંથી જરૂર લાગે તેવાં તમામ શહેરી માર્ગોને નવરાત્રી પૂર્વે રીસરફેસ કરવામાં આવશે. આ કામગીરી માટે નગરપાલિકાની કક્ષા અનુસાર રાજ્ય સરકાર દ્વારા વિશેષ અનુદાન ફાળવવામાં આવ્યું છે તેમ આર.આર. ડામોરે ઉમેર્યું હતું.