અમદાવાદના સરહદી વિસ્તાર ગણાતા સાંતેજ-વડસર રોડ પર આજે વહેલી સવારે એક ખાનગી
કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની તીવ્રતાને
જોતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, સાંતેજ-વડસર માર્ગ પર આવેલી એક ખાનગી કંપનીમાં વહેલી સવારે અચાનક
આગ લાગી હતી. કંપનીમાં રહેલા કેમિકલ અથવા અન્ય જ્વલનશીલ પદાર્થોના કારણે આગે
જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા
હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા .
ફાયર વિભાગની કુલ 5 ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોના જવાનો દ્વારા
ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી વહેલી સવારથી જ શરૂ
કરી દેવામાં આવી હતી.
આગ કયા કારણોસર લાગી (શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામી) તે હજી સુધી સત્તાવાર રીતે જાણી
શકાયું નથી. વહેલી સવારનો સમય હોવાથી કંપનીમાં કેટલા કર્મચારીઓ હાજર હતા અને કોઈ ફસાયું છે
કે નહીં, તે અંગે વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ફાયર
બ્રિગેડની ટીમ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટેના સઘન પ્રયાસો ચાલુ છે.






