હવે પોલીસનો પણ લોકોમાં ડર ન રહ્યો હોય તેમ રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત બાદ ભાવનગરમાં પણ પોલીસ પર હુમલો થવાના બનાવો શરૂ થયા છે જેનાથી પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. તાજેતરમાં જ હાઇકોર્ટ દ્વારા પોલીસ પર હુમલો કરનાર અને ઢોર પકડવા જતી પાર્ટી પર હુમલો કરનાર સામે પાસા કરવાનું જણાવ્યું છે ત્યારે ભાવનગરમાં પણ આવો બનાવ બનવા પામ્યો છે.
ભાવનગરના ઘોઘારોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઉપર પથ્થરનો ઘા ઝીંકી ઇજા કરી ફરજમાં રૂકાવટ કરનાર ચાર વિરુદ્ધ હુમલો અને ફરજમાં રૂપાવટની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ બનવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ બલરાજસિંહ રાણા અને નિલેશભાઈ અનિલભાઈ જાેશી ગઈકાલે રાત્રે ઘોઘારોડ પોલીસ મથક વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે ઘોઘાસર્કલથી રબ્બર ફેક્ટરી તરફ જવાના રોડ પર કબ્રસ્તાન પાસે સુઝુકી એક્સેસ મોટર સાયકલ પર જઈ રહેલ બે છોકરાઓને અટકાવી તેમની પાસે રહેલા બોક્સમાં શું છે ? તેમ પૂછતા આ બંને છોકરાઓએ નરેન્દ્રસિંહ સાથે તકરાર કરી હતી. દરમિયાન અબ્દુલસતાર નથુભાઈ શેખ નામનો મોટી ઉંમરનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને આ બંને છોકરાઓ આફ્રિદી રફિકભાઈ શેખ અને ફાઇઝ સલીમભાઈ શેખ મારા ભત્રીજા છે,તેને કેમ રોક્યા છે તેમ કહી પોતાની આનંદનગરમાં ભંગારી હોવાની ઓળખ આપતા નરેન્દ્રસિંહે કહ્યું કે, મારે ખાલી બોક્સમાં શું છે તે તપાસ કરવાની હોય તેમને અટકાવેલ છે. એમ કહેતા પાછળથી આવેલા આફ્રિદીનો ભાઈ અને ઉક્ત શખ્સએ નરેન્દ્રસિંહ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.
દરમિયાન અબ્દુલસતાર નથુભાઈ શેખે પાછળથી આવી પથ્થર જેવો પદાર્થ નરેન્દ્રસિંહના માથાના ભાગે મારતા તેમને ચક્કર આવી ગયા હતા. દરમિયાન અનેક લોકો ભેગા થઈ જતા તેમજ પોલીસ પાર્ટી આવી જતા આ શખ્સ નાસી ગયા હતા. આ બનાવ અંગે નરેન્દ્રસિંહ રાણાએ અબ્દુલસતાર નથુભાઈ શેખ, આફ્રિદી રફિકભાઈ શેખ, સલીમભાઈ શેખ તેમજ આફ્રિદીના ભાઈ વિરુદ્ધ ફરજમાં રોકાવટ કરી હુમલો કર્યાની ફરિયાદ ઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાવી હતી.