કોંગ્રેસ ભારત જોડો યાત્રા શરૂ કરી રહી છે. આ યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે. દરરોજ 21 કિલોમીટર ચાલ્યા બાદ 150 દિવસમાં 3 હજાર 570 કિલોમીટરનું અંતર કાપીને કાશ્મીર પહોંચશે. પહેલા આ આખી યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વમાં થવાની હતી, પરંતુ હવે તેઓ વચ્ચેથી યાત્રામાં જોડાતા રહેશે. રાહુલ ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરતા પહેલા સવારે શ્રીપેરુમ્બુદુરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારક પર પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ સાથે તેઓ કન્યાકુમારીમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે જ્યાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન તેમને રાષ્ટ્રધ્વજ સોંપશે.
કન્યાકુમારીથી શ્રીનગર સુધીની 3,570 કિલોમીટર લાંબી યાત્રાની ઔપચારિક શરૂઆત રેલીમાં થશે. પદયાત્રા 11મી સપ્ટેમ્બરે કેરળ પહોંચશે અને આગામી 18 દિવસ સુધી રાજ્યમાંથી પસાર થઈને 30મી સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચશે. આ યાત્રા કર્ણાટકમાં 21 દિવસ સુધી ચાલશે અને પછી ઉત્તર તરફ અન્ય રાજ્યોમાં જશે.