Asia Cup 2022 માં શ્રીલંકા સામેની કરો યા મરોની જંગમાં ભારતીય બેટ્સમેનોનો ધબડકો થયો હતો. ટીમ રોહિતની અર્ધી સદીની મદદથી 173 રન બનાવી શકી હતી. ભારે રોમાંચક મેચમાં શ્રીલંકાએ ભારત સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો. મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી હતી. દર્શકોનાં શ્વાસ અધ્ધર કરી દે એવા મુકાબલામાં છેલ્લેથી બીજા બોલે શ્રીલંકાએ વિજય મેળવ્યો હતો.
છેલ્લી ઓવરમાં શ્રીલંકાને સાત રન કરવાના હતા. જેમાં છેલ્લા બે બોલમાં બે જ રન કરવાના હતા. અર્શદીપ સિંહે છેલ્લી ઓવર ખાસ્સી સારી નાખી હતી પણ સ્કોર ઓછો હોવાથી ભારત જીતનો પ્યાલો ચૂકી ગયું હતું. પ્રથમ બેટિંગ કરતાં ભારતનાં બેટ્સમેનો ગાજ્યાં એવા વરસ્યા નહોતા. સેટ થઈને બેટ્સમેનો આઉટ થઈ ગયા હતા. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને બાદ કરતાં બીજો કોઈ બેટ્સમેન સારો સ્કોર કરી શક્યો નહોતો. દુનિયાની બેસ્ટ બેટિંગ લાઇનઅપ ગણાતી ટીમનો આ મિની ધબડકો કહીએ તો પણ ચાલે એવું સાધારણ બેટિંગ પર્ફોર્મરન્સ રહ્યું હતું. ભારતે 20 ઓવર્સમાં 173 રન બનાવતા 174 નો ટાર્ગેટ શ્રીલંકાને આપ્યો હતો.