ભાવનગરના આતાભાઈ ચોક પાસે આવેલ ઓનલાઇન ઓર્ડર પર માલ સામાનની ડિલિવરી કરતી કંપનીની એપ્લિકેશનનો દૂર ઉપયોગ કરી અમુક ભેજાબાજે ઓર્ડર આપનાર વ્યક્તિ સુધી કંપનીનો ડીલીવરી બોય પહોંચે તે પહેલા જ ડુપ્લીકેટ પાર્સલ ગ્રાહકને પધરાવી રોકડા રૂપિયા મેળવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના કારસ્તાનનો પર્દાફાશ થતાં કંપનીના મેનેજરે નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના આતાભાઈ ચોક, એટલાન્ટા કોમ્પલેક્ષમાં આવેલ બીજી બ્રિજ લોજિસ્ટિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડની કંપનીના મેનેજર વિરેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા રહે.કાલિયાબીડએ નીલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમની કંપની દ્વારા એપ્લિકેશનના માધ્યમથી ઓર્ડર આપનાર ગ્રાહકોને હોમ ડિલિવરીની સુવિધા આપવામાં આવતી હોય, છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોએ ઓનલાઇન ઓર્ડર કરેલ વસ્તુનું પાર્સલ ગ્રાહક સુધી કંપનીનો માણસ પહોચાડે તે પહેલા જ કોઈ અજાણ્યો વ્યક્તિ ગ્રાહકને ડુપ્લીકેટ પાર્સલ આપી રોકડા રૂપિયા મેળવી લેતો હતો.
કંપનીની એપ્લિકેશનનો દુરુપયોગ કરી ગ્રાહકનો નામ સરનામું મેળવી કોઈ અજાણી વ્યક્તિ આ પ્રકારે છ જેટલા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાનું કંપનીની જાણમાં આવ્યું હતું.
નિલમબાગ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અસી.પી.સી.૪૦૬,૪૨૦ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.