ઈન્ફર્મેશન ટેકનોલોજી એકટની કલમ-66-એ ને રદ કરાયા બાદ પણ તે કલમ હેઠળ અનેક રાજય સરકારો દ્વારા દાખલ કરાતા કેસ મુદે હવે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરતા રાજય સરકારો તથા જે તે રાજયની હાઈકોર્ટને નોટીસ આપીને ત્રણ સપ્તાહમાં રીપોર્ટ માંગ્યો છે તથા કેન્દ્ર સરકારને પણ એક આદેશમાં રાજયોના મુખ્ય સચિવો સાથે વાતચીત કરી ગેરબંધારણીય ગણાવાયેલી તથા રદ કરાયેલી આ કલમનો ઉપયોગ કરીને હજું કેમ કેસ કરવામાં આવે છે તે અંગે જવાબ માંગવા ગણાવાય છે.
સર્વોચ્ચ અદાલતે એ પણ આદેશ આપ્યો છે કે રદ કરાયેલી આઈટી એકટની કલમ 66 એ હેઠળ કોઈ તપાસ થઈ શકશે નહી અને કોઈ ટ્રાયલ પણ ચાલશે નહી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ યુ.યુ.લલિતના વડપણ હેઠળની ખંડપીઠે એ જાણીને આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું કે આ કલમ રદ કરાયા બાદ પણ અનેક રાજયોમાં હજારો કેસ આ કલમ હેઠળ નોંધાયા છે. મધ્યપ્રદેશમાં 145 કેસ નોંધાયા છે અને 113 અદાલતમાં પેન્ડીંગ છે. સુપ્રીમ કોર્ટે આઈટી એકટની કલમ 66 એ ને 2015માં જ ગેરબંધારણીય ગણાવી હતી. આ ધારા હેઠળ પોલીસને એ અધિકાર મળતો હતો કે કોઈ આપતીજનક કન્ટેન્ટ-વિડીયો કે સંદેશ સોશ્યલ મીડીયા પર અપલોડ કરનારને તે ધરપકડ કરી શકતી હતી.
સર્વોચ્ચ અદાલતે આઈટી એકટની ધારા 66 એ ને દેશના નાગરિકોના અભિવ્યક્તિના અધિકાર પર તરાપ સમાન ગણાવી હતી. ઉપરાંત આ એકટની જોગવાઈની વ્યાખ્યા પણ નિશ્ચીત ન હતી. કોઈ કન્ટેન્ટ કઈ રીતે આપતિજનક છે તે પણ સ્પષ્ટ ન હતું. પોલીસ કે ઓથોરીટી જે કન્ટેન્ટને આપતિજનક કે વાંધાજનક ગણાશે તેના આધારે તે કન્ટેન્ટ અપલોડ કરનારની ધરપકડ કરી લેવાતી હતી અને એક કન્ટેન્ટ- કોઈ એક માટે આપતીજનક હોય પણ બીજા માટે ન હોય તો પણ બીજા માટે ન હોય તો પણ તેમાં કોઈ બચાવની તક જ અપાતી ન હતી અને તેનો હેતુ લોકોને સોશ્યલ મીડીયા પર કોઈ અપલોડ કરતા ડર લાગે તેવી સ્થિતિ બની હતી.
શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેના નિધન બાદ મુંબઈમાં જે રીતે જનજીવન અસ્તવ્યસ્ત થયું અને તમામ જાહેર ટ્રાન્સપોર્ટ સેવા રોકી દેવામાં આવી તેના પર વિરોધ કરનારની ધરપકડ બાદ શ્રેયા સિંધલ નામના એક લો- સ્ટુડન્ટે સુપ્રીમમાં અપીલ કરી આ કલમની બંધારણીય યોગ્યતાને જ પડકારી હતી અને સર્વોચ્ચ અદાલતને લાંબી સુનાવણી તથા તમામ પક્ષોના મંતવ્ય બાદ આ કલમને ગેરબંધારણીય ગણાવીને રદ કરી હતી. તેમ છછતાં અનેક રાજય સરકારોએ હજું પણ આ કલમ હેઠળ કેસ નોંધી આડેધડ ધરપકડ ચાલુ રાખતા હવે સર્વોચ્ચ અદાલતે આકરુ વલણ ભર્યું છે.