કોંગ્રેસના પાંચ લોકસભા સભ્યોએ પક્ષ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના વડા મધુસુદન મિસ્ત્રીને પ્રદેશ કોંગ્રેસ સમિતિની મતદાર યાદી ચૂંટણી સહભાગીઓ અને સંભવિત ઉમેદવારોને પ્રદાન કરવા વિનંતી કરી છે. વિગતો મુજબ પાર્ટીના સાંસદો શશિ થરૂર, મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, પ્રદ્યુત બારડોલોઈ અને અબ્દુલ ખાલિકે મિસ્ત્રીને પત્ર લખીને આ અંગે વિનંતી કરી છે.
આ પત્ર કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રાના એક દિવસ પહેલા 6 સપ્ટેમ્બરે લખવામાં આવ્યો હતો. આ સાંસદોએ અગાઉ આ યાદીને સાર્વજનિક કરવા વિનંતી કરી હતી, જેનો મિસ્ત્રીએ સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. હવે આ સાંસદોએ તેમના પત્રમાં કહ્યું છે કે, તેમનો કહેવાનો અર્થ એ નથી કે, પાર્ટીના કોઈપણ આંતરિક દસ્તાવેજને એવી રીતે જારી કરવામાં આવે કે તેનો કોઈપણ રીતે દુરુપયોગ થઈ શકે. આ સાથે ઉમેર્યું હતું કે, અમારો અભિપ્રાય છે કે, પ્રમુખની ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં, રાજ્ય કોંગ્રેસ સમિતિની ઇલેક્ટોરલ કૉલેજની સૂચિ મતદારો અને મતદાનમાં ભાગ લેનારા સંભવિત ઉમેદવારોને પ્રદાન કરવી જોઈએ.