અમેરિકા અને ઇરાન વચ્ચે 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધના અંત અને ઐતિહાસિક શાંતિ સમજૂતીની
જાહેરાત થતાં જ વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો કરંટ જોવા મળ્યો છે.
હોર્મુઝની ખાડી ફરી ખુલ્લી મૂકવાના સંકેતો વચ્ચે આજે બજાર ખૂલતાની સાથે જ રોકાણકારો ગદગદિત
થઈ ગયા હતા.
વૈશ્વિક મોરચે અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ વિરામના અહેવાલોની ભારતીય શેરબજાર પર સીધી અને
વ્યાપક સકારાત્મક અસર જોવા મળી છે. ક્રૂડ ઓઇલના સપ્લાય માટે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી
ફરીથી વ્યાપારી જહાજો માટે ખૂલવાના સમાચારથી રોકાણકારોનો સેન્ટિમેન્ટ મજબૂત થયો છે.
અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ લાઈવ માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ દોઢ ટકાથી
વધુના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે.
બીએસઈ સેન્સેક્સનો ગ્રાફ જોતાં સ્પષ્ટ થાય છે કે, બજાર આજે જબરદસ્ત ગેપ-અપ ઓપનિંગ સાથે
ખૂલ્યું હતું. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 1.52% ના ઉછાળા સાથે +1,150.87 પોઇન્ટ વધીને 76,678.82
પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે આજે સેન્સેક્સ 76,725.27 પર ઓપન થયો હતો અને જોતજોતામાં તેણે
76,821.07 ની હાઈ સપાટીને સ્પર્શી લીધી હતી. અગાઉના બંધ (75,527.95) ની સરખામણીએ બજારમાં
સતત બુલિશ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જે કુલ 1294 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 50 પણ આજે રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે અને
24,000 ની સાયકોલોજિકલ સપાટીની બિલકુલ નજીક પહોંચી ગયો છે. સમાચાર લખવા સુધીમાં નિફ્ટી
ઇન્ડેક્સ 1.37% ના વધારા સાથે +324.45 પોઇન્ટ ઉછળીને 23,947.35 પર કામકાજ કરી રહ્યો છે. જોકે
આજે નિફ્ટી 23,984.85 પર ખૂલ્યા બાદ થોડી જ વારમાં 24,011.40 ની દૈનિક હાઈ સપાટી પર પહોંચી
ગયો હતો. શુક્રવારના ક્લોઝિંગ (23,622.90) ની સામે આજે સવારથી જ બજારમાં ખરીદદારો હાવી રહ્યા
છે. નિફ્ટીમાં કુલ 389 પોઈન્ટની તેજી આવી હતી.
બજારના નિષ્ણાતોના મતે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાન સાથે શાંતિ સમજૂતીની સત્તાવાર
જાહેરાત થવાથી તેલના વૈશ્વિક વેપાર પરથી અનિશ્ચિતતાના વાદળો હટી ગયા છે. ઇંધણના ભાવ સ્થિર
થવાની અને સંગ્રહખોરી અટકવાની આશાએ બેન્કિંગ, ઓટો, આઇટી અને એનર્જી સેક્ટરના શેરોમાં સૌથી
વધુ લેવાલી જોવા મળી રહી છે, જેને કારણે બજાર નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે.






