અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવામાં આવશે અને
અમેરિકા ઈરાનના બંદરો પર લાદવામાં આવેલી નૌસેનાની નાકેબંધી તાત્કાલિક અસરથી હટાવી લેશે.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘ઇસ્લામ રિપબ્લિક ઓફ ઈરાન સાથેની ડીલ પૂર્ણ થઈ ગઈ છે. હું
સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટોલ ફ્રી ખોલવાની અને અમેરિકન નાકેબંધી હટાવવાની મંજૂરી આપું છું. હવે વૈશ્વિક
સ્તરે જહાજો ફરીથી ફરી શકશે અને ઓઇલનો પ્રવાહ શરૂ થશે.’ ઉલ્લેખનીય છે કે, આ એ જ હોર્મુઝ
વિસ્તાર છે જ્યાંથી દુનિયાનો આશરે 20% ઓઇલ અને એલએનજીનો સપ્લાય પસાર થાય છે, જે યુદ્ધ
દરમિયાન સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો.
ભારત પોતાની જરૂરિયાતનું આશરે 80થી 85% ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે, જેમાં અખાતી
દેશોનો હિસ્સો સૌથી મોટો છે. આ શાંતિ કરાર લાગુ થતાં જ અને ઈરાનનું ઓઇલ ફરી વૈશ્વિક માર્કેટમાં
આવવાના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. આનાથી ભારતમાં પેટ્રોલ અને
ડીઝલના ભાવો પરનું દબાણ ઘટશે અને મોંઘવારીને નિયંત્રિત કરવામાં મોટી મદદ મળશે. આ ઉપરાંત
ભારતનું ઓઇલ આયાત બિલ ઘટવાથી દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પરનું દબાણ ઓછું થશે અને
ભારતીય રૂપિયાને પણ મજબૂતી મળશે.






