ગુજરાત સરકારના “નશા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત ભાવનગર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. રેન્જ આઇ.જી.પી રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવાની કડક સૂચના અન્વયે એસ.ઓ.જી. દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અફીણના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં વોચ રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન ટીમ ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રિંગરોડ, મંત્રેશ સર્કલથી ટોપ-થ્રી સર્કલ વચ્ચે પેટ્રોલિંગમાં હતી. આ સમયે તરસમીયા-ગાયત્રીનગર ચોકડી પાસેથી એક શંકાસ્પદ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની પૂછપરછ કરતા આ ઈસમ ઓશકકુમાર રતનલાલ જાટ ઉ.વ. ૨૧, મૂળ ચિત્તોડગઢ, રાજસ્થાન વાળો અને હાલ રહે. આનંદનગર, ભાવનગર હોવાનું ખુલ્યું હતું. પોલીસે તલાસી લેતા તેની પાસેથી ૯૬૫ ગ્રામ અફીણનો જથ્થો મળી આવતા જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂ. ૪,૮૨,૫૦૦/- જેટલી થાય છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






