દિલ્હીમાં રવિવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક ૫૦ વર્ષ જુની પાંચ માળની ઇમારત પડી હતી. જેને પગલે પાંચ લોકો માર્યા ગયા છે જ્યારે નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાના અહેવાલો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ મકાન ધરાશાયી થતા છ લોકો માર્યા ગયા છે.
દિલ્હી યુનિવર્સિટીના દક્ષીણ કેમ્પસ પાસે સત્ય નિકેતન વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટેની પાંચ માળની એક હોસ્ટેલ આવેલી હતી. આ હોસ્ટેલની ઇમારત આશરે ૫૦ વર્ષ જુની હતી. નીચે બેઝમેન્ટમાં વરસાદનું પાણી ભરાયું હતું જ્યારે કેટલુક કામ પણ ચાલી રહ્યંુ હતું, આ દરમિયાન જ ઇમારત ધસી પડી હતી. સ્થાનિકોનો દાવો છે કે અકસ્માત સમયે ઇમારતમાં આશરે ૩૦થી ૫૦ લોકો હતા. જોકે સત્તાવાર રીતે કોઇ જ આંકડો જાહેર કરવામાં નથી આવ્યો.
અત્યાર સુધીમાં નવ જેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી બે લોકો મૃત જાહેર કરાયા છે જ્યારે એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું થતા કુલ મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. એવા અહેવાલો છે કે કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ કાટમાળમાં દટાયેલા છે, જેમને ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજન સિલિન્ડર પહોંચતું કરવામાં આવ્યું હતું. જે પણ વિદ્યાર્થીઓ આ બિલ્ડિંગમાં રહેતા હતા તેઓ કેરળ, હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોના છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મકાન પડી જતા છ લોકો માર્યા ગયા છે. ભારે વરસાદને પગલે બુદાઉન, બલિયા જિલ્લામાં મકાનો ધ્વસ્ત થવાની ઘટનાઓ સામે આવી હતી.





