ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત સ્થિત એક ટાયર ફેક્ટરીમાં ઓઈલ ટેન્કમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળતા બે શ્રમિકોના મોત થયા છે. ગજનેર પોલીસ સ્ટેશન વિસ્તારના જરિહા ગામમાં આવેલી ઓમ જેવીઆરડી ટાયર ફેક્ટરીમાં બનેલી આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટા અને આગની વિકરાળ જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી.
કાનપુર દેહાતના ચીફ ફાયર ઓફિસર (CFO) પ્રતીક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સાંજે આશરે 5:50 વાગ્યે માતી ફાયર સ્ટેશનને ઓમ ટાયર ફેક્ટરીમાં આગ લાગવાની માહિતી મળી હતી. આ ફેક્ટરીમાં જૂના ટાયરોને પ્રોસેસ કરીને તેમાંથી ઓઈલ કાઢવામાં આવે છે. પ્લાન્ટમાં ઓઈલ સ્ટોરેજ માટે બે મોટી ટેન્ક આવેલી છે, જેમાંથી એક ટેન્કમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો અને ત્યાર બાદ સ્પેશિયલ ફાયર ફાઇટિંગ ફોમનો ઉપયોગ કરીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.ઘટનાની જાણ થતાં જ કાનપુર દેહાતના એસપી શ્રદ્ધા નરેન્દ્ર પાંડે, એડિશનલ એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.






