\જમ્મુ-કાશ્મીરમાં મંત્રીમંડળના ફેરબદલ બાદ સત્તારૂઢ નેશનલ કોન્ફરન્માં આંતરિક ખેંચતાણ વધી રહી છે. પાર્ટીના નિર્ણયોથી નારાજ 15થી વધુ નેશનલ કોન્ફરન્સ અને અપક્ષ ધારાસભ્યોએ શ્રીનગરમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીમંડળના ફેરબદલ સામે નારાજગી વ્યક્ત કરવાની સાથે આગામી રાજકીય રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક લોલાબના ધારાસભ્ય કૈસર જમશીદના શ્રીનગર સ્થિત નિવાસસ્થાને યોજાઈ હતી. તેમાં નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ ધારાસભ્યો મુબારક ગુલ અને અબ્દુલ મજીદ લર્મી સહિત 15થી વધુ ધારાસભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં સામેલ ધારાસભ્યોએ તાજેતરમાં થયેલા મંત્રીમંડળના ફેરબદલ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નારાજ ધારાસભ્યો એવા મંત્રીઓને હટાવવાની માગ કરી રહ્યા છે, જેમણે પોતાના પદ પર બે વર્ષ પૂર્ણ કરી લીધાં છે. આ મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ હતી અને આગળ કઈ રીતે વિરોધ નોંધાવવો તે અંગે પણ રણનીતિ ઘડવામાં આવી હતી. દરમિયાન, શ્રીનગરમાં મોડી રાત્રે વધુ એક રાજકીય હિલચાલ જોવા મળી હતી. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ નવા નિયુક્ત મંત્રી અલી મોહમ્મદ સાગરને પાર્ટીના મહાસચિવ પદે યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે.
મંત્રીમંડળના ફેરબદલ બાદ વરિષ્ઠ નેતા મુબારક ગુલને મંત્રીપદ આપવામાં આવ્યું નહોતું. ત્યારબાદ તેમને પાર્ટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ નિર્ણયને તેમને મનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવ્યો હતો. જોકે, મંત્રીમંડળના વિસ્તરણ બાદ નેશનલ કોન્ફરન્સના શ્રીનગર સ્થિત મુખ્યાલયમાં મુબારક ગુલના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓ પાર્ટી કાર્યાલયમાં પહોંચ્યા હતા અને નવા નિયુક્ત મંત્રી અલી મોહમ્મદ સાગર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ‘ગુલ ગુલ શેર ગુલ’ અને ‘પાર્ટીનો નિર્ણય મંજૂર નથી’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. મુબારક ગુલને મંત્રીપદ ન મળ્યા બાદ શરૂ થયેલો વિરોધ અને હવે 15થી વધુ ધારાસભ્યોની બેઠકથી નેશનલ કોન્ફરન્સમાં મંત્રીમંડળના ફેરબદલને લઈને અસંતોષ સપાટી પર આવ્યો છે.






