અમરેલી જિલ્લામાં ગુનાખોરીની દુનિયાને હચમચાવી નાખે તેવી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખેતરમાં પાર્ક કરેલી એક તુફાન ગાડીમાં ઉંધી રહેલા બે પરપ્રાંતિય મજૂરોને ગાડીને કોઈ અજાણ્યા શખસોએ બહારથી આગ ચાંપી જીવતા સળગાવી દેવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
આજે વહેલી સવારે ગાડી સળગેલી હાલતમાં મળી આવતાં તપાસ દરમિયાન અંદરથી એક સગીર સહિત બે યુવકોના અડધા સળગેલા મૃતદેહ મળી આવ્યા હતા.આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી છે. આ બનાવમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં તુફાન પેસેન્જર ગાડી પાર્ક કરવામાં આવી હતી. આ ગાડીમાં બે મજૂરો રાત્રિના સમયે ઊંઘી રહ્યા હતા. તે સમય દરમિયાન કોઈ અજાણ્યા શખસોએ ગાડીને બહારથી આગ ચાંપી દીધી હોવાની આશંકા છે. ગાડીમાં લાગેલી આગની લપેટમાં આવી અંદર ઊંઘી રહેલા બંને યુવકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી અને આગમાં ગંભીર રીતે દાઝી જતાં બંનેના કરુણ મોત નીપજ્યાં હતાં. આજે વહેલી સવારે વાડીમાં સળગેલી ગાડી અને તેની અંદર બે મૃતદેહો મળી આવતાં ઘટનાની જાણ લીલીયા પોલીસને કરવામાં આવી હતી.
બનાવની ગંભીરતાને પગલે લીલીયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સાથે મામલતદાર અને FSLની ટીમે પણ સ્થળ પર પહોંચી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી.ઘટનાસ્થળેથી મળેલા પુરાવા, મૃતકોની ઓળખ અને સંભવિત આર્થિક વ્યવહારો સહિતની કડીઓ જોડીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. લીલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બંને મૃતકોની ઓળખ મધ્યપ્રદેશના વતની 16 વર્ષીય રવિ કમલેશ બધેલ અને 21 વર્ષીય નીતિન રામસિંગ પચાયાનો સમાવેશ થાય છે. એક તરફ 16 વર્ષના કિશોરનું મોત અને બીજી તરફ તેની સાથેના યુવકનું આ રીતે કરુણ મોત થતાં ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.પોલીસની તપાસમાં હત્યા પાછળ પૈસાની લેતીદેતીનું કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાનું રહસ્ય પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
————————-






