ભારતનો બેરોજગારી દર સપ્ટેમ્બરના પાંચ ટકાની તુલનાએ ઓક્ટોબરમાં ઘટીને ૪.૯ ટકા થયો છે. તેની સાથે મહિલા ભાગીદારીમાં અને નોકરિયાતોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેમા પણ ખાસ કરીને ગ્રામીણ મોરચે સ્થિતિ વધુ સુધરી છે. શહેરી બેરોજગારી સપ્ટેમ્બરના ૬.૯ ટકાથી ઘટીને ૬.૭ ટકા થઈ છે. જ્યારે ગ્રામીણ બેરોજગારી ૪.૨ ટકા પર સ્થિર હતી. આ ઉપરાંત શ્રમ બળમાં મહિલા ભાગીદારી સપ્ટેમ્બરના ૩૪.૬ ટકાથી વધીને ૩૫ ટકા થતાં આ મોરચે પણ સુધારો થયો હતો.
વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન શ્રમ બળમાં મહિલા ભાગીદારીનું પ્રમાણ ૩૪.૨ ટકા હતું. ગ્રામીણ સ્તરે મહિલા ભાગીદારી સપ્ટેમ્બરના ૩૮.૯ ટકાથી વધીને ઓક્ટોબરમાં ૩૯.૫ ટકા થઈ છે. જ્યારે શહેરી વિસ્તારોમાં મહિલા ભાગીદારી ૨૫.૯ ટકા પર સ્થિર હતી. વસ્તીના પ્રમાણમાં કુલ કામ કરતા લોકોનો માપદંડ કુલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (એલએફપીઆર) ગયા મહિનાના ૫૫.૫ ટકાથી વધીને ૫૫.૭ ટકા થયો હતો. જ્યારે વસ્તીના પ્રમાણમાં કામદારોની સંખ્યા માપતો વર્કર પોપ્યુલેશન રેશિયો (ડબલ્યુપીઆર) આ સમયગાળા દરમિયાન ૫૨.૭ ટકાથી વધીને ૫૩ ટકા થયો.
ગ્રામીણ એરિયાના મોરચે પણ સ્થિતિ સુધરી છે. અહીં એલએફપીઆર ગયા મહિનાના ૫૮ ટકાથી વધીને ૫૮.૪ ટકા થયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં આ ભાગીદારી ૫૦.૭ ટકાથી ઘટીને ૫૦.૫ ટકા થઈ છે. મહિલા બેરોજગારી દર સપ્ટેમ્બરના ૫.૨ ટકાથી ઘટીને ઓક્ટોબરમાં પાંચ ટકા થયો હતો. જ્યારે પુરુષ બેરોજગારી દર ૪.૯ ટકા પર સ્થિર હતો. શહેરી મહિલા બેરોજગારી દર ગયા મહિનાના ૯.૨ ટકાથી ઘટીને ઓક્ટોબરમાં ૮.૭ ટકા થયો હતો. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ દર ૩.૯ ટકાથી ઘટીને ૩.૮ ટકા થયો હતો. આ અંદાજો માટે ૩.૭૦ લાખથી પણ વધુ લોકો પર સરવે કરવામાં આવ્યો હતો. તેમા ૨.૧૧ લાખથી પણ વધુ પ્રતિસાદીઓ ગ્રામીણ વિસ્તારના અને ૧.૫૯ લાખથી વધુ શહેરી વિસ્તારના હતા. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના નેજા હેઠળની નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા સંચાલિત આ સરવેને રોજગારી અને બેરોજગારી અંગેનો આધારભૂત સ્ત્રોત માનવામાં આવે છે.





