દુનિયાની સૌથી શક્તિશાળી જાસૂસી એજન્સી સીઆઈએની સિસ્ટમમાં રહસ્યમય સાયબર હુમલો થયો હતો. હેકરોએ એક ગુપ્ત સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને સોશિયલ મીડિયા, સેટેલાઈટ તસવીરો અને અન્ય જાહેરત સ્રોતોમાંથી એકત્ર કરાયેલી માહિતી અને તેના વિશ્લેણના ડેટાની ચોરી કરી હોવાનો અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં ઘટસ્ફોટ કરાયો હતો. જોકે, ગુપ્ત ડેટા સુરક્ષિત હોવાનો એજન્સીએ દાવો કર્યો હતો.
અમેરિકાની જાસૂસી એજન્સી સીઆઈએ સોશિયલ મીડિયા, સેટેલાઈટ તસવીરો અને અન્ય જાહેર સ્રોતોમાંથી માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરે છે ત્યારે સીઆઈએની આ સિસ્ટમ સાયબર હુમલાનો ભોગ બની હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ સાયબર હુમલાની અસર ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ પર પણ પડી હતી. આ ઘટના પછી અમેરિકાના જાસૂસી નેટવર્કની સુરક્ષા અંગે નવેસરથી ચિંતાઓ પેદા થઈ છે.
સીઆઈએની જે સિસ્ટમ પર હેકર્સે હુમલો કર્યો હતો તેનો ઉપયોગ ઈન્ટરનેટ, કોમર્શિયલ સેટેલાીટ્સ અને ખાનગી ડેટા બ્રોકર્સ સહિત જાહેર સ્રોતો પાસેથી ઉપલબ્ધ માહિતીઓને એકત્ર કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે થતો હતો. આ સિસ્ટમ મારફત અમેરિકન જાસૂસી એજન્સીઓ દુનિયાભરમાં તેની સામેના સંભવિત જોખમોની ઓળખ કરવા અને મહત્વપૂર્ણ માહિતી મેળવવાનું કામ કરતી હતી. જોકે, જાસૂસી એજન્સીએ દાવો કર્યો હતો કે તેના ગુપ્ત ડેટા એકદમ સુરક્ષિત છે. સાયબર હુમલામાં આ ડેટાની ચોરી થઈ નથી. જોકે, કઈ માહિતીની ચોરી થઈ તે સ્પષ્ટ થઈ શક્યું નથી.





