ભાવનગર શહેરની જીવાદોરી શેત્રુંજી ડેમ ગઇકાલે ગુરૂવારે વહેલી સવારે ઓવરફ્લો થતા મોટી માત્રામાં પાણીનો જથ્થો દરિયામાં વહી રહ્યો છે. સત્તાવાર મળતા આંક મુજબ આજે સવારે છ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન શેત્રુંજી ડેમમાંથી ઓવરફ્લો મારફત ૨૯ મિલીયન ઘન મીટર પાણીનો જથ્થો વહી ચુક્યો છે જે ભાવનગર શહેરને છ માસ સુધી ચાલે તેટલો જથ્થો છે. ડેમથી સરતાનપર સુધી બંધારાની યોજના તો સાકાર થતી નથી પરંતુ વચ્ચેના ગામોમાં નાના-નાના ચેકડેમો જાે બને તો જળ બચાવો અભિયાન સાર્થક બને તેમ છે પરંતુ નબળી નેતાગીરીને કારણે જળ બચાવોની વાતો હવામાં જ રહી છે.
પાલિતાણા પાસે આવેલ અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ પ્રતિવર્ષ છલકાય છે અને ઓવરફ્લો થતું પાણી દરિયામાં વહી જાય છે. દરિયાના તટે આવેલા સરતાનપર બંદર નજીક બંધારો બાંધવાની યોજનાની વાતો વર્ષોથી ગોહિલવાડની જનતા સાંભળતી આવે છે પરંતુ આ મામલે હજુ સુધી કોઇ નક્કર કામગીરી થઇ નથી. પરિણામે દર વર્ષે શેત્રુંજી ડેમનું ઓવરફ્લો થતું મહામુલુ પાણી દરિયામાં જઇને ભળે છે. શેત્રુંજી ડેમથી સરતાનપર બંદર સુધીના વિસ્તારમાં ચેકડેમની સિરીઝ પણ થઇ શકે પરંતુ સરકારને કોઇ કારણોસર તેમાં રસ પડતો નથી. એક તરફ જળ બચાવોના નારા લગાવાય છે. સરકાર તેની પાછળ લખખુટ ખર્ચ પણ કરે છે બીજી બાજુ શેત્રુંજી ડેમનું કરોડો લીટર પાણી સીધુ દરિયામાં જતું રહે છે.
સરતાનપર બંધારાથી મીઠા જળનું સરોવર બને, દરિયાઇ ખારાશ આગળ વધતી અટકી શકે
દરિયાઇ ખારાશ પ્રતિદિન આગળ ધપી રહી છે જેના કારણે ફળદ્રુપ જમીન બિનઉપજાઉ બની રહી છે ત્યારે જાે સરતાનપર નજીક બંધારો બાંધવાનું સ્વપ્ન સાકાર થાય તો દરિયાઇ ખારાશ આગળ વધતી ચોક્કસ અટકાવી શકાય. આ ઉપરાંત છેવાડાના ગામડા સુધી ખેતી માટે તેમજ પીવા માટે ઘર આંગણે જ સરોવરનું નિર્માણ થઇ શકે અને સરકારનું જળ બચાવો અભિયાન પણ ખરા અર્થમાં સાકાર થાય તેમ છે.