ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરતા કચ્છમાં ભારતીય દરિયાઇ સીમા પાસેથી પાકિસ્તાની બોટમાંથી રૂ. 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. IMBL નજીક 6 શખ્સોને 50 કિલો હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સાથે મળીને રૂ. 350 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ‘અલ સાકર’ને ઝડપી પાડી છે. બાદમાં આ આરોપીઓને ઝડપી પાડી તેઓની વધુ તપાસ માટે તેમને બોટ સાથે જખૌ લવાયા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું ખુલી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ જામનગરમાં પણ મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. જામનગર શહેરના શરૂ સેકશન રોડ પરથી નેવી ઈન્ટેલિજન્સે કરોડોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.
આ સિવાય થોડાક દિવસો અગાઉ સુરતમાંથી પણ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સુરત શહેરના છેવાડે સારોલી નિયોલ ચેક પોસ્ટ પાસેથી 1.6 કરોડના ડ્રગ્સ સાથે એક રાજસ્થાની યુવકની ધરપકડ કરવામાં આવી હતી.