સુરતના વરાછામાં આવેલી આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ વિવાદમાં સપડાઇ છે. કોલેજના ટોયલેટમાં CCTV કેમેરા લગાવવામાં આવતા ABVP દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ABVPના કાર્યકરોએ જો CCTV 48 કલાકની અંદર દૂર નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે ABVPએ કોલેજના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી છે.
લઘુશંકા કરવાની જગ્યાએ પણ CCTV ગોઠવી શંકા ઊભી કરવાના પ્રયાસ સામે ABVPના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. મહત્વનું છે કે, આજકાલ લોકો પોતાની સુરક્ષાને ધ્યાને રાખતા લોકો સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરતા હોય છે. આવે છે. પરંતુ CCTV કેવી જગ્યાએ ઇન્સ્ટોલ કરવા તેની પણ એક યોગ્ય સમજ હોવી જરૂરી છે. કારણ કે સુરતના વરાછામાં આવેલી આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજે ટોયલેટમાં CCTV લગાવતા સૌ કોઇ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સુરતની ધારુકાવાલા કોલેજ કેમ્પસમાં આવેલી આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજના બોયઝ ટોયલેટમાં CCTV લગાવવાથી ભારે ખળભળાટ મચી ગયો છે. તેમજ ABVPના કાર્યકરોએ કોલેજના સત્તાધીશોને 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.
ABVPના કાર્યકરો કોલેજના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અટકી છે તે સમયસર નથી મળતી તેની રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ એ સમયે કોલેજના બોયઝ હોસ્ટેલમાં તેમણે ટોયલેટની અંદર CCTV કેમેરા જોયા હતા. તેઓએ આને ખૂબ જ નિંદનીય ઘટના ગણાવી હતી. જેને લઇને ABVP દ્વારા કોલેજ પ્રશાસનને વિદ્યાર્થીઓની સ્કોલરશીપના મુદ્દા ઉપરાંત બોયઝ હોસ્ટેલમાંથી તાત્કાલિક સીસીટીવી દૂર કરવાનું આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.