ઉમરાળા તાલુકાના રતનપર ગામમાં આવેલ વાડીમાં એલ.સી.બી. એ દરોડો પાડી ૫૫ હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી, લોખંડના ૪ ટાંકા, મોટર મળી રૂ. ૩૧.૭૦ લાખનો મુદ્દામાલ સીઝ કરી વાડીના માલિક વિરુદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ એલ.સી.બી. પોલીસ કાફલો ઉમરાળા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે રતનપર ગામમાં આવેલ છત્રપાલસિંહ ઉર્ફે કાનભા મહિપાલસિંહ ગોહિલની વાડીમાં દરોડો પાડી વાડીમાં રાખેલ લોખંડના ૪ ટાંકામાં તપાસ કરતા ટાંકાની અંદર ૫૫ હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું.
લોખંડના ટાંકામાં ભરેલું પ્રવાહી ફેરવી શકાઈ તેમ ન હોઈ એલ.સી.બી.એ ત્યાં પોલીસ પહેરો ગોઠવી રૂ.૩૧,૭૦,૫૦૦નો મુદ્દામાલ હસ્તક કરી વાડીના માલિક વિરુદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.