પાકિસ્તાનમાં ટોળાએ પોલીસ સ્ટેશનની બહાર ઈશનિંદાના આરોપીની હત્યા કરી નાખી. ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કરતાં પોલીસકર્મીઓ ભાગી ગયા હતા. જોકે ત્યાર પછી તેઓ વધારાના સુરક્ષા બળ સાથે પરત ફર્યા અને ઇશનિંદાના આરોપીના મૃતદેહને સળગાવવાથી બચાવ્યો.
આરોપી મોહમ્મદ વારિસ પર કુરાનનું અપમાન કરવાનો આરોપ હતો. આ પછી રવિવારે સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું- ઇશનિંદાના સમાચાર સાંભળીને સેંકડો લોકો પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા હતા. લોકઅપનું તાળું તોડી તેને બહાર કાઢ્યો હતો. તેને લાકડીઓ અને સળિયા વડે માર મારવામાં આવ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પાકિસ્તાની અખબાર ‘ધ ડોન’ના અહેવાલ મુજબ, ટોળું આરોપીને ફાંસી આપવા માગતું હતું. પોલીસ સમયસર ઘટનાસ્થળે પહોંચી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ. એનાથી લોકોનો ગુસ્સો શાંત ન થયો. તેઓ પોલીસની ગાડીનો પીછો કરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હંગામો મચાવીને આરોપીને ટોળાના હવાલે કરવા કહ્યું, પરંતુ પોલીસ ન માનતાં લોકો મુખ્ય ગેટ તોડીને પોલીસ સ્ટેશનની અંદર ઘૂસ્યા. અહીં તોડફોડ કરી આરોપીને બહાર લઈ જઈને માર માર્યો હતો.
ટોળાના ભયંકર ઈરાદાથી પોલીસકર્મીઓ પણ ડરી ગયા હતા અને એ સમયે પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયા હતા. જોકે બાદમાં અન્ય પોલીસ સ્ટેશનમાંથી પણ મોટી સંખ્યામાં પોલીસ ત્યાં પહોંચી હતી અને આરોપીની લાશને સળગતતાં પહેલાં બચાવી હતી. આ પહેલીવાર નથી, જ્યારે પાકિસ્તાનમાં ટોળાએ આવું કંઈ કર્યું હોય. ડિસેમ્બર 2021માં શ્રીલંકાના એક ફેક્ટરી મેનેજરને પહેલા ટોળા દ્વારા માર મારવામાં આવ્યો હતો અને પછી તેને આગ લગાવી દેવામાં આવી હતી. પ્રિયંતા કુમારા નામની આ વ્યક્તિની કેબિનમાં એક પોસ્ટર ફાટેલું જોવા મળ્યું હતું, જેના પર મોહમ્મદ લખેલું હતું. ફેક્ટરીમાં કામ કરતા કામદારોએ તેને પયગંબરનું અપમાન ગણાવ્યું.
અગાઉ પણ આવી ઘટનાઓ બની છે
પાકિસ્તાનમાં ધર્મનિંદાને લઈને ખૂબ જ કડક કાયદા છે, જેના કારણે અનેક લોકોને માર મારવામાં આવે છે. એપ્રિલ 2017માં મર્દાન યુનિવર્સિટીમાં મિશાલ ખાનને તેના સાથીદારોએ માર માર્યો હતો. 2012માં બહાવલપુર નજીક હિંસક ટોળા દ્વારા માનસિક રીતે વિકલાંગ વ્યક્તિને પોલીસ સ્ટેશનથી ખેંચીને મારી નાખવામાં આવી હતી. એવી જ રીતે દાડોમાં પણ ટોળાએ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને ઈશનિંદાના આરોપીને જીવતો સળગાવી દીધો હતો.