ગીતકાર જાવેદ અખ્તર પાકિસ્તાનના લાહૌરમાં આયોજીત ફૈઝ ફેસ્ટીવલનો ભાગ બન્યા હતા. સોશિયલ મીડિયા પર જાવેદ અખ્તરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા તેમણે 26/11 મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા પાકિસ્તાનની ધરતી પર પાકિસ્તાન પર તીખા પ્રહાર કર્યા હતા. આતંકીઓને પોતાના દેશમાં આશરો આપવાની ટીકા કરી હતી. જાવેદે કહ્યું કે, આતંકવાદી હાલમાં પણ તમારા દેશમાં ફરી રહ્યા છે.
પ્રખ્યાત ગીતકાર બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવાની વાત કરતા જોઈ શકાય છે, અને શ્રોતાઓને કહે છે કે “ભારતીયના હૃદયમાં રોષ છે…” જાવેદ અખ્તરે કહ્યું, “આપણે એકબીજા પર દોષારોપણ ન કરવું જોઈએ… કંઈ હાંસલ થશે નહીં… ફિઝાન ગરમ હૈ, તેને સુધારવું જોઈએ… અમે મુંબઈકર છીએ, અને અમારા શહેર પર હુમલો થયો છે. … હુમલાખોરો નોર્વે કે ઇજિપ્તમાંથી આવ્યા ન હતા… અને એ જ લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે… તો, જો આ ફરિયાદ કોઈ ભારતીયના દિલમાં હોય, તો ખરાબ ન લાગવાની જરૂર નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનમાં ભારતીય કલાકારોને એટલુ સન્માન આપવામાં આવતું નથી જેટલું ભારતમાં પાકિસ્તાની દિગ્ગજોને આપવામાં આવે છે. તાળીઓના ગડગડાટ વચ્ચે, જાવેદ અખ્તર કહે છે, “જ્યારે ફૈઝ સાહબ આવ્યા, ત્યારે તેમનું એક મોટા વ્યક્તિત્વની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું… તે દરેક જગ્યાએ પ્રસારિત પણ થયું હતું… અમે નુસરત ફતેહ અલી ખાન અને મહેંદી હસનના મોટા મોટા ફંક્શન્સ જોયા… પરંતુ તમે (પાકિસ્તાન) ક્યારેય લતા મંગેશકર માટે કોઈ ફંક્શન કરાવ્યું નથી…” જાવેદ અખ્તરની આ ટિપ્પણીઓ જોરદાર રીતે શેર કરવામાં આવી રહી છે અને યુઝર્સ તેમના વખાણ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તેને પાકિસ્તાન પરની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ ગણાવી છે.