મધ્ય બંગાળની ખાડીને અડીને દક્ષિણ-પૂર્વમાં આવેલું ચક્રવાતી તોફાન ‘મોચા’ અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થઈ ગયું છે. આઈએમડીના જણાવ્યા અનુસાર ‘મોચા’ આગળ આવી ગયું છે. આ વાવાઝોડું ખૂબ ઝડપથી ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગે વધુ જણાવ્યું હતું કે કે, મોચા ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધીને હજુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ વાવાઝોડું 14 મે બપોરના સમયની આસપાસ સિટવે નજીક કોક્સ બજાર (બાંગ્લાદેશ) અને ક્યૌકપ્યુ (મ્યાનમાર) વચ્ચેનો દરિયાકિનારો પાર કરી ગયું હતું. આ સમય પવનની ઝડપ 150-160 કિમી પ્રતિ સુધી પહોંચી શકે છે, આ ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન છે. શુક્રવારે પોતાની પીક પર પહોંચનારા આ વાવાઝોડાને યમને ‘મોચા’ નામ આપ્યું છે. યમને લાલ સાગર બંદર શહેર મોખાના નામ પર જ આ તોફાનનુ નામ મોચા (મોખા) રાખ્યું છે. આ સ્થળે 500 વર્ષ પહેલા દુનિયાને કોફીની મોટી ભેટ આપી હતી.
ચક્રવાત મોચા ‘ગંભીર’ બનતા જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ પશ્ચિમ બંગાળના દિઘામાં આઠ ટીમો અને 200 બચાવકર્તાઓને તૈનાત કર્યા છે. એનડીઆરએફની અન્ય બટાલિયનના કમાન્ડન્ટ ગુરમિન્દર સિંહ જણાવે છે કે, આગાહી મુજબ, ચક્રવાત ગંભીર તોફાનમાં અને ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ જશે. વધુમાં તેમણે કહ્યું કે NDRFના 200 બચાવકર્તાઓને જમીન પર તૈનાત કરવામાં આવ્યા છે અને 100 બચાવકર્તા સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. રવિવારે મ્યાનમારના બંદર શહેર સિટવે અને બાંગ્લાદેશના કોક્સ બજારની નજીક ક્યૌકપ્યૂ વચ્ચે અથડાય તેવી શક્યતા છે.
ચક્રવાતને ધ્યાનમાં રાખીને ઉત્તર 24 પરગણા જિલ્લા વહીવટીતંત્ર સુંદરબન વિસ્તારમાં જરૂરી પગલાં લઈ રહ્યું છે. સંદેશખાલી-1, સંદેશખાલી-2, હિંગલગંજ અને મીનાખાન સહિત સુંદરવન નજીકના દરેક બ્લોકમાં એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ ડિફેન્સના કર્મચારીઓને ચોવીસ કલાક હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે સિંચાઈ અને વીજળી વિભાગના કર્મચારીઓની આગામી એક સપ્તાહની રજાઓ પણ રદ કરવામાં આવી છે. આ વિસ્તારની શાળાઓને શેલ્ટર તરીકે તૈયાર કરાઈ રહી છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે નબળા ડેમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.






