IPL 2023 સીઝન એવો રેકોર્ડ બનવા જઈ રહી છે, જે અત્યાર સુધીના ઈતિહાસમાં નથી બન્યો. વાત જાણે એમ છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલાથી જ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. તેણે ક્વોલિફાયર-1માં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સને હરાવી હતી. પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાથી ગુજરાતને વધુ એક તક મળી છે. તે આજે એટલે કે 26 મે મુંબઈ ઈન્ડિયન્સ સામે ક્વોલિફાયર-2 રમશે. અહીં જે ટીમ જીતશે તે ફાઇનલમાં ચેન્નાઇ સાથે ટકરાશે. જો ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચશે તો IPL ઇતિહાસમાં એક તોફાની રેકોર્ડ સર્જાશે.
આ રેકોર્ડ શરૂઆતની મેચ અને ફાઈનલ સાથે સંબંધિત છે. IPLના ઈતિહાસમાં અત્યાર સુધી ઓપનિંગ મેચ રમી રહેલી બંને ટીમો એક જ સિઝનની ફાઇનલમાં પહોંચી નથી. જો ગુજરાત ક્વોલિફાયર-2માં મુંબઈને હરાવી ફાઇનલમાં પહોંચે છે તો આ વખતે તે રેકોર્ડ બની જશે.
મહત્વનું છે કે, વર્તમાન સિઝનની ઓપનિંગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે 31 માર્ચે અમદાવાદમાં રમાઈ હતી. ત્યારબાદ ગુજરાતે તે મેચ 5 વિકેટે જીતી લીધી હતી. હવે જો બંને ટીમો ફાઇનલમાં ટકરાશે તો ચેન્નાઈની ટીમ એ હારનો બદલો લેશે અને 5મી વખત ટાઈટલ જીતશે.




