રાહુલ ગાંધી મંગળવારે ભારતીય સમય પ્રમાણે રાતના 10-15ની આસપાસ અમેરિકા પહોંચ્યાં છે. સૌથી પહેલા રાહુલ ગાંધીએ કૈલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો શહેરથી તેમની યાત્રાની શરુઆત કરી હતી. મંગળવારે રાતે તેઓ સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ઉતર્યાં હતા. એરપોર્ટ પર સામ પિત્રોડા સહિતના બીજા લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.
રાહુલ ગાંધી પાસે રાજકીય પાસપોર્ટ ન હોવાથી તેમની એક સામાન્ય પ્રવાસીની જેમ જ એરપોર્ટ પર તપાસ કરાઈ હતી. સંસદનું સભ્યપદ રદ થયા પછી રાહુલ ગાંધીનો રાજકીય પાસપોર્ટ પણ રદ થઈ જતા તેમને સામાન્ય પાસપોર્ટ ઈસ્યુ થયો હતો જેને કારણે એરપોર્ટ પર તેમની આકરી તપાસ થઈ હતી જેને માટે રાહુલને એરપોર્ટ પરથી નીકળતા ખૂબ વાર લાગી હતી.
રાહુલ ગાંધીનો અમેરિકાના ઘણા શહેરોમાં કાર્યક્રમ છે. 4 જૂનના રોજ તેઓ ન્યૂયોર્કમાં વસતા ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરશે. ગાંધી સાન ફ્રાન્સિસ્કોની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે અને સાંસદો અને થિંક ટેન્ક્સ સાથે બેઠક કરશે. રાહુલ ગાંધી એક સપ્તાહ સુધી અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતીય-અમેરિકનોને પણ સંબોધન કરે તેવી શક્યતા છે. તેમની મુલાકાત 4 જૂને સમાપ્ત થશે, જેમાં તેઓ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે.





