જામનગર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપુર ગામ પાસે કાચા રસ્તાના રોડ પર રૂપિયા ૨૦ લાખની લૂંટની ઘટના બનતાં ભારે સનસનાટી મચી ગઈ છે. રંગપુર ગામના કમિશન એજન્ટ દ્વારા ૨૦ લાખની રકમ વેપારીને નાણાં ચૂકવવા માટે પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા પછી રસ્તામાં તેની આંખમાં મરચાની ભૂકી છાંટી રોકડ લઈ લૂંટારૂઓ છુમંતર થયા હતા, પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં નાકા બંધી કરાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપુર ગામમાં રહેતો અને કમિશન એજન્ટ તરીકે કામ કરતો અવેશ દોસ્ત મહમદ ખીરા નામનો યુવાન ગઈકાલ મંગળવારે બપોરે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી જામનગરના વેપારીને ચૂકવવા માટેની રૂપિયા ૨૦ લાખની રોકડ રકમ લઈને રંગપુર ગામના કાચા રસ્તે થઈને મુખ્ય હાઈવે રોડ તરફ આવી રહ્યો હતો.
જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં બે અજાણ્યા યુવાન આવી ચડ્યા હતા અને બાઈકની નંબર પ્લેટ જોઈ શકાય ન હતી. બંને શખ્સોએ સૌપ્રથમ અવેશની આંખમાં મરચાની ભૂકી છાટી દીધી હતી જેથી તેની આંખો બંધ થઈ ગયા પછી પોતે માર્ગ પર નીચે પટકાઈ પડ્યો હતો. દરમિયાન બંને લુટારુઓ ૨૦ લાખની લૂંટ ચલાવી ત્યાંથી ભાગી છુટ્યા હતા. તે સમગ્ર મામલા અંગે પોલીસને જાણ કરાતાં આ અંગેની માહિતી જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી હતી.
જેથી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી.
જ્યારે જામનગરની એલસીબી અને એસઓજીની પોલીસ ટુકડી લૂટારુંઓને શોધી કાઢવા આસપાસના વિસ્તારોને ખૂંદી વળ્યા હતા. પરંતુ લુંટારુઓનો કોઈ પત્તો સાંપડ્યો ન હતો. અને બંને લૂંટારુઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે, જ્યારે મેઘપર પોલીસ મથકમાં આ બનાવ અંગે ગુનો નોંધવા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લૂંટની ઘટનાથી જામનગર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.