અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, શાળા પ્રવેશોત્સવમાં જે -તે ગામોની કે શાળાઓની મુલાકાત દરમ્યાન અથવા SMC સાથેની બેઠક દરમ્યાન ધ્યાને આવેલી બાબતોનું ડૉક્યુમેન્ટેશન થાય તે ઇચ્છનીય છે. આવું ડૉક્યુમેન્ટેશન સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને જે -તે શાળાઓમાં ત્રૂટિઓ દૂર કરી સુવિધા-સગવડ આપી સારૂં પરિણામ મેળવવામાં મદદરૂપ થશે.
મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવ-2023માં સહભાગી થયેલા પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો અને અધિકારીઓના આ પ્રવેશોત્સવ દરમ્યાનના અનુભવોના આદાન -પ્રદાન માટે યોજાયેલી બેઠકમાં સંબોધન કર્યું હતું. આ બેઠકમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ,મુખ્ય સચિવ રાજકુમાર પણ જોડાયા હતા. આ બેઠકમાં શાળા પ્રવેશોત્સવ-2023 ની સફળતા અંગેના પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યના 27 જિલ્લાઓની 27,368 પ્રાથમિક શાળાઓમાં આ દ્વિદિવસીય શાળા પ્રવેશોત્સવ અન્વયે 315 જેટલા વર્ગ-1-2 ના અધિકારીઓ સહિત 46,600 થી વધુ મહાનુભાવોએ શાળાઓની મુલાકાત લીધી હતી. એટલું જ નહિ,ધોરણ-1 માં કુલ 2 લાખ 30 હજાર બાળકોએ તથા આંગણવાડીમાં 9 લાખ 77 હજાર 513 ભુલકાઓએ પ્રવેશ મેળવ્યો છે.




