ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં વર્ષ 2001 માં આવેલા મહાભૂકંપ બાદ આફ્ટર શોકનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. આજે સવારે 8.6 મિનિટે ભુજના દુર્ગમ ખાવડાથી 30 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન સરહદ તરફ કેન્દ્રબિંદુ ધરાવતો 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાવા પામ્યો છે. ગત રવિવાર તા. 28 બાદ આજે ફરી એક જ સપ્તાહમાં આ બીજો માધ્યમ કક્ષાની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. આંચકના પગલે ખાવડા તેમજ આસપાસના ગામોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે, જોકે કોઈ નુક્શાનીના હેવાલ મળ્યા નથી.
કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા વધુ અનુભવાઈ રહ્યા છે. ગત 28 જાન્યુઆરીના રોજ 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાં ફરી એક જ સપ્તાહમાં બીજી વાર કચ્છની ધરા આંચકાથી ધ્રુજી ઉઠી છે.