સ્પેશિયલ NIA કોર્ટે બુધવારે ભારતીય જનતા પાર્ટીના ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કોર્ટેની વારંવારની ચેતવણી છતાં પ્રજ્ઞા ઠાકુર હાજર થવામાં નિષ્ફળ રહી છે. આ કારણે કોર્ટે 11 માર્ચે ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું. જો કે, સ્પેશિયલ કોર્ટે તેમની હાજરી બાદ જારી કરાયેલ જામીન વોરંટ રદ કરી દીધું હતું. જણાવી દઈએ કે, પ્રજ્ઞાસિંહ ઠાકુર સપ્ટેમ્બર 2008ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી છે.
વિશેષ NIA કોર્ટે મુંબઈ NIA ટીમને ભોપાલ NIA ટીમનો સંપર્ક કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની તબિયતની શારીરિક ચકાસણી કરવામાં આવે. કોર્ટે આજે મેડિકલ રિપોર્ટના આધારે જ તેમને આજ માટે મુક્તિ આપી છે. કોર્ટે અવલોકન કર્યું છે કે CrPC 313 હેઠળ નિવેદન નોંધવામાં તેમની ગેરહાજરીથી કોર્ટની કાર્યવાહીમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. આ સાથે આ કેસના ટ્રાયલમાં વિલંબ થઈ રહ્યો છે. કોર્ટે NIAને 8 એપ્રિલ, 2024ના રોજ તેમના સ્વાસ્થ્ય સંબંધિત વિસ્તૃત રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે.
ઠાકુર અને અન્ય છ આરોપી સામે ગેરકાયદે પ્રવૃત્તિ નિવારણ કાયદો અને ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ ચાલી રહ્યો છે. કોર્ટ હાલ ફોજદારી દંડ સંહિતા હેઠળ આરોપીઓના નિવેદનો રેકોર્ડ કરી રહી છે. વિશેષ કોર્ટે આરોપીઓને સુનાવણી માટે હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો. વિશેષ જજ એ. કે. લાહોટીએ ઠાકુર સામે રૂપિયા ૧૦ હજારનું વોરન્ટ જારી કર્યું છે અને તપાસ એજન્સીને ૨૦ માર્ચ સુધીમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. ગયા મહિને જજે ઠાકુરને કોર્ટમાં ગેરહાજર રહેવા પર જરૂરી પગલાં સાથે ચેતાવણી આપી હતી.