જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો છે. આ હુમલો મંગળવારે મોડી રાત્રે ડોડાના છત્તરગાલામાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ પર થયો હતો. હુમલામાં 4 સૈનિકો અને 1 SPO પણ ઘાયલ થયા છે. શહીદ થયેલા જવાનની ઓળખ CRPF કોન્સ્ટેબલ કબીર દાસ તરીકે થઈ છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સ (જેઈએમ/જૈશ)એ લીધી છે.
આ હુમલાના થોડા કલાકો પહેલા કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈદા સુખલ ગામમાં પણ મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે આતંકી હુમલો થયો હતો. અહીં આતંકવાદીઓના ગોળીબારમાં એક ગ્રામીણ ઘાયલ થયો હતો. પોલીસે હુમલો કરનારા બે આતંકીઓમાંથી એકને ઠાર કર્યો છે. બીજો આતંકવાદી ગામમાં જ ક્યાંક છુપાયેલો છે. તેણે ઘટનાસ્થળે પહોંચેલા ડીઆઈજી અને એસએસપી કઠુઆના વાહન પર ગોળીબાર કર્યો હતો. બંને નાસી છૂટ્યા હતા.
મંગળવારે રાત્રે પહેલો હુમલો કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈદા સુખલ ગામમાં થયો હતો. અહીં રાત્રે લગભગ 8 વાગે સરહદ પારથી બે આતંકવાદીઓ ઘૂસ્યા હતા. આતંકવાદીઓએ ઘરનો દરવાજો ખખડાવ્યો અને પાણી માંગ્યું. જ્યારે કેટલાક લોકોને બંને પર શંકા ગઈ તો તેઓએ દરવાજા બંધ કરી દીધા. બાદમાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઓમકાર નાથ ઉર્ફે બિટ્ટુ નામના વ્યક્તિને હાથમાં ગોળી વાગી હતી. માહિતી મળ્યા બાદ જ્યારે પોલીસ ટીમ ગામમાં પહોંચી તો એક આતંકીએ પોલીસ પર ગ્રેનેડ ફેંકવાનો પ્રયાસ કર્યો. પોલીસના જવાબી ફાયરિંગમાં તે ત્યાં માર્યો ગયો. જ્યારે બીજો આતંકી ગામમાં છુપાયો હોવાની માહિતી મળી રહી છે. તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ફાયરિંગમાં ઘાયલ બિટ્ટુની હાલત જોખમની બહારછે.