માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી
અમદાવાદ: હવામાન વિભાગે આગાહી કરી છેકે, આજથી 4 દિવસ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખબકી શકે છે. ખાસ કરીને એજ કારણોસર દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સુચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. બીજા બાજુ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. તો અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.
જુનાગઢના ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો
છેલ્લાં 24 કલાકથી રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં મેઘો મહેર કરી રહ્યો છે. ખાસ કરીને જુનાગઢના ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં તાલાલા, ખીરધાર, બાકુલા ધણેજ, ધ્રાબાવડ, લાડુડી, દેવ ગામ, જેપુર સહિત અનેક ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે. તાલુકાભરમાં વાવણી લાયક વરસાદ પડવાથી ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ છે. જુનાગઢના વિસાવદર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભારે વરસાદ પડ્યો છે. નાનાકોટડા, વાજડી, રૂપાવટી, ઉમરાળા,જૂની ચાવંડ, શીરવાણીયા સહિત આસપાસના ગ્રામ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક રોડ રસ્તાઓ પાણી પાણી થયા છે. જૂનાગઢ પંથકમાં ઠેર ઠેર વરસાદની સાથે ગિરનાર પર્વત પર પણ વરસાદી માહોલ જામ્યો છે.