વાસ્તુશાસ્ત્રનો આધાર દિશા છે અને ખુદ ભૂગોળવિજ્ઞાન ચાર પ્રકારની ઉત્તર દિશાઓનો સ્વીકાર કરે છે (૧) ચુંબકીય ક્ષેત્રથી નિર્ધારિત થતી ઉત્તર દિશા (૨) પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના સ્થાને રહેલ ઉત્તર દિશા (૩) ઉત્તર ધ્રુવના તારકના સ્થાનથી નિર્ધારિત થતી ઉત્તર દિશા અને (૪) સૂર્યના ઉદ્ગમ સ્થાનેથી ૨૭૫ અંશે નિર્ધારિત થતી ઉત્તર દિશા. આ ચારેય પ્રકારની ઉત્તર દિશાઓ વચ્ચે અક્ષાંશમાં (આડી લાઇનમાં) સાડા આઠ અંશ અને રેખાંશમાં (ઊભી લાઇનમાં) સાડા તેર અંશનો તફાવત એક વિશાળ વર્તુળ સર્જે છે. ૨૩,૦૦૦ કિલોમીટરના વિશાળ વર્તુળ વચ્ચે દિશાઓનું સ્થાન ફર્યા કરે છે.
આ પરિસ્થિતિ પ્રાકૃતિક ઘટના છે અને તે વાતથી સ્પષ્ટ થાય છે કે કોઈપણ દિશાનું કોઈ નિર્ધારિત સ્થાન હોઈ શકે નહીં. સમય જેમ સાપેક્ષ ખ્યાલ છે તેમ દિશાઓનું સ્થાન પણ સાપેક્ષ છે. તેની સમજણ આજથી ૧૭૦૦ વર્ષ પૂર્વે ચીન દેશના લાઓત્સે નામના એક અધ્યાત્મવિજ્ઞાનીએ આપી. તે પછી આઈનસ્ટાઈન દ્વારા સમયની સાપેક્ષતા દર્શાવવામાં આવી. પરંતુ તેમને પોતાના સમર્થન માટે ઠીક ઠીક ઉદાહરણો પ્રતિપાદિત કરવાં પડયાં. કારણ આજથી ૧૪૨ વર્ષ પહેલાં સમયની સાપેક્ષતા સમજાવવા કોઈ પ્રમાણભૂત સાધનો નહોતાં. આજથી ૧૦ વર્ષ પૂર્વે પૃથ્વી ઉપર એક નાની ઉલ્કા પડવાનાં એંધાણ હતાં ત્યારે દુનિયાભરનાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાએ લોકોને ચેતવેલા. કોઈએ લખેલું આજે મધ્ય રાત્રીએ પૃથ્વી ધ્રૂજી ઊઠશે. કોઈએ લખેલું આજે બપોરના ભોજન સમયે ડાઇનિંગ ટેબલ ખખડશે. અહીં સમયની સાપેક્ષતા બતાવાય છે. અને હવે તો ટી.વી.ના પડદે બાળકો વિવિધ કાર્યક્રમો માણતાં…સમયની સાપેક્ષતા અનુભવે છે. કોઈ એક સમય તેવી સ્થિતિ હોઈ ન શકે. તેમ કોઈ એક દિશા પણ ન હોઈ શકે, જેની પ્રતીતિ સૂર્યગ્રહણની ઘટના સમયે સહુ અનુભવે છે. ટી.વી. ઉપર સૂર્યગ્રહણ જોનાર દર્શકોએ નિહાળ્યું કે સૂર્યપ્રકાશ આડે ઊભેલા ચંદ્રના પ્રતિબિંબમાં પણ અલગ અલગ સ્થાન અને દિશા બને છે.
વાસ્તુશાસ્ત્રનો ખ્યાલ અક્ષાંશ-રેખાંશના સ્થાનગણિત પહેલાં વિકસેલો આથી હાઉસકીપિંગ સંબંધે સ્થળના આધારથી જમણી કે ડાબી બાજુએ બીજા સ્થળને મૂકવાની કોઈ અભિવ્યક્તિ કે પતિ ન હતી. દિશાઓને આધાર તરીકે ગણવામાં આવી. ત્યાર બાદ ધર્મશાસ્ત્રોમાં બન્યું છે તેમ શાસ્ત્ર આધારે પેટિયું નિભાવનારાઓએ પોતાનાં જ્ઞાન અને આવડતને શ્રેષ્ઠ ગણાવી વાસ્તુશાસ્ત્રનું અતિમૂલ્ય કર્યું અને પોતાનું વ્યક્તિગત મહત્ત્વ વધારવા તેને શુભ-અશુભ સાથે જોડયું. પરંતુ વાસ્તુશાસ્ત્ર માટે દિશાઓને આધાર માનવામાં આવે છે ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ તો એ હોય છે કે વિષુવવૃત્ત રેખા ઉપર ઊગતો પૂર્વ દિશાનો સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં વસતા લોકો માટે અગ્નિ દિશાનો સૂર્ય બને છે તેમ વિષુવવૃત્તનો સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં વસતા લોકો માટે ઈશાન દિશાનો બને છે અને કોઈ કાળે માનવજાતિને ચંદ્ર ઉપર વસવાટ કરવાનું બને તો ત્યાં કઈ દિશાને પૂર્વ કે ઉત્તર ગણવામાં આવશે ? આમ, સમય માફક દિશાઓનું સ્થાન પણ સાપેક્ષ છે. દિશાઓનું સ્થાન કોઈ સનાતન ખ્યાલ નથી.
ભાષાશાસ્ત્રના અભ્યાસ પરથી જણાય છે કે સમયાંતરે શબ્દના અર્થનું સંકોચન અને વિસ્તરણ થતું રહ્યું છે. દાખલારૂપે સંસ્કૃત ભાષાએ પૃથ્વીનો અર્થ જમીન અથવા ભૂતળ કર્યો છે. અહીં પૃથ્વીનો અર્થ સમગ્ર ગોળાર્ધ એવો નથી પરંતુ રામાયણના કાકભુશંડીએ ભૂતળની ૧૪ પરિક્રમા કરેલી તેવા સંદર્ભને આજે આપણે એ રીતે સમજીએ છીએ કે તેમણે પૃથ્વીની ૧૪ પરિક્રમા કરેલ, અહીં શબ્દ જેમનો તેમ રહ્યો અને સંદર્ભ બદલાયો. આથી સમગ્ર અર્થઘટન ફેરવાયું છે. વાસ્તુશાસ્ત્રના વિકાસ સંબંધ પણ આવું જ થયું છે. ઉદ્યોગની પ્રોડકટને ઝાઝી હેરવણી -ફેરવણી વિના જેમ એક ક્રમમાં નજીક નજીક રાખી પૂરક પ્રવૃત્તિને અનુરૂપ રખાય છે, તેમ સ્થાપત્યકલાના વિકાસ સાથે ગૃહસજાવટ પણ કલા તરીકે વિકસી.
ગૃહકાર્યમાં પરસ્પર અનુકૂલન રહે તેવા ખ્યાલનું નામ વાસ્તુશાસ્ત્ર. અનુકૂલનની કળામાંથી વિકલ્પ માનવીય સમજણને આર્કિટેકચર વિજ્ઞાન તરીકે મર્યાદિત રાખીએ તે યોગ્ય છે, પણ તેને શુભ અશુભ સાથે ન જોડીએ. કારણ સ્થાનલક્ષી શુભાશુભનો ખ્યાલ જ્યોતિષ પણ સ્વીકારતું નથી. આપણી આસપાસના જગતમાં ઘટતી અનેક સફળતાઓ દિશાવિહીન અને સમયથી પર હોય છે. વાસ્તુશાસ્ત્રીઓએ પોતાની આવડતને વિજ્ઞાન હોવાનું પ્રતિપાદિત કરતાં પહેલાં વિચારવું પડે કે જે વરસાદના પાણીથી સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય છે, તે વરસાદ પડવાની દિશા કઈ છે ? જે સમુદ્ર પૃથ્વીના અસ્તિત્વનો આધાર બને છે તેનું સ્થળ વાસ્તુશાસ્ત્ર મુજબ છે? અક્ષાંશ-રેખાંશના ગણિત પહેલાં સ્થાન દર્શાવવા દિશાનો આધાર લેવાયો પરંતુ હવે નવી તકનીક ઉપલબ્ધ છે ત્યારે આશા રાખીએ કે વૈજ્ઞાનિક તકનીકોનો આધાર લઈ ઇજનેરો ગૃહનિર્માણ અંગે પોતાના નોલેજને વધુ તાર્કિક બનાવશે. ઘરસજાવટ અને રચનાની પ્રક્રિયા મનોજૈવિક પ્રક્રિયાથી કંઈ વિશેષ નથી. તે બાબતને હવે મસ્તિષ્ક વિજ્ઞાને પણ કબૂલ્યું છે ત્યારે વાસ્તુ નામે સમાજને વહેમ અને ખર્ચમાં ઉતારવાની પ્રક્રિયાને બૌદ્ધિકોએ તિલાંજલિ આપવી જ રહી.
-ડૉ. નાનક ભટ્ટ