ભારતમાં ન્યાય ઉપર ખુબ જ ઓછુ લખાણ છે. ન્યાયને જુદા જુદા પાસાઓથી મુલ્યાંકન થાય એ પ્રકારનું લખાણ ખુબ જ ઓછુ જોવા મળે છે. સાહિત્ય એટલે હવે જે લાગણીઓને પંપાળે એજ સાહિત્યની વ્યાખ્યામાં આવે છે. આંખમાં ઝલઝળીયા લાવી દે તે સાહિત્ય, મમ્મી-પપ્પા સાથેના કે બહેન કે પ્રિયતમા સાથેના લાગણી ભર્યા સબંધો અને સંવાદો એટલે સાહિત્ય, કોફી, વરસાદને પાલવ જેવા વિષયોની આળ પંપાળ એટલે સાહિત્ય. પરંતુ બુદ્ધિને હલાવે એવું સાહિત્ય ઓગણીસમી સદી પછી બંધ થઈ ગયું હોય એમ લાગે છે. પ્રાશ્ચયાત વિચારકો એ જે બૌધિક સાહિત્ય પીરસ્યું છે તેવું આપણે ત્યાં બુદ્ધના સમય ગાળા સુધી આવ્યું પરંતુ એ પછીનાં સમયગાળા ખાસ નથી જોવા મળતું.
ભારતમાં કોઈ પણ કાયદો નવો અમલમાં આવે એટલે વકીલ, સોલીસીટર કે કંપની સેક્રેટરી કે ચાર્ટડ એકાઉન્ટન્ટ આ બધા લોકો કાયદાનું ઇન્ટરપ્રિટેશન કરવા લાગશે. જેમ કે બજેટ પછી ચર્ચા થાય કે આ સેક્શન હેઠળ આટલું બાદ મળે ને તે સેક્શન હેઠળ તેટલું બાદ મળે. પરંતુ કાયદાની યોગ્યતા, તેની સમાજ જીવન પર કેવી અસર ઉભી થશે તેની ચર્ચા જ નથી થતી.ક્યારેય એવી પણ ચર્ચા નથી થતી કે આ કાયદા પોતેજ કેટલો સક્ષમ છે? કાયદો પોતેજ અન્યાય કર્તાતો નથીને?
ન્યાય આપવાવાળા ન્યાય લેનારને ખરેખર ન્યાય આપે છે? ન્યાય આપવા વાળી વ્યક્તિ તો ફક્ત કાયદાનો અમલ કરે છે તેને સાચા ખોટાની ખબર નથી અને ખબર હોય તો પણ નિર્ણય તો પુરાવાને આધારે અપાય છે. જેની પાસે સારામાં સારું લોજીક કે તર્ક છે એ દિવસને રાત અને રાતને દિવસ સાબિત કરી શકે છે તે ખોટાને પણ સાચું સાબિત કરી શકે છે. આથી ન્યાય અપાયો છે એ સાચો છે કે ખોટો એ પણ કેમ કહી શકાય? કાયદો જ ખોટો હોય તો ન્યાય પણ ખોટો થઇ શકે છે. આથી જેમને ન્યાય અપાય છે એમને યોગ્ય જ ન્યાય મળ્યો છે એમ ન કહી શકાય. બીજું ન્યાય આપવાવાળા છે એમની બુદ્ધિમતા ન્યાય જે હેતુથી ઘડવામાં આવ્યો છે એ હેતુ સમજવાની ક્ષમતા ધરાવે છે કે નહીં એ પણ એક અલગ વાત છે.ઉપરાંત ન્યાય આપવા વાળી વ્યક્તિની બુદ્ધિમતા પણ કેટલી છે તેના પર પણ ન્યાયની શુદ્ધતાનો આધાર છે. ન્યાય આપનાર વ્યક્તિના પૂર્વગ્રહો, તેનો ઉછેર, તેની વિદ્વતા , તેની ખામીઓ , તેની ખૂબીઓ, તેની વિચારધારા, તેનું શિક્ષણ, તેનો અભ્યાસ , તેની તાર્કિક શક્તિ, તેને ભૂતકાળમાં થયેલ અન્યાય, તેના માતા-પિતા કે કુટુંબને થયેલ અન્યાય, આ બધી વાતો પણ એટલી જ અસર કરે છે.
કાયદો ઘડનાર વ્યક્તિ પણ કેટલી બુદ્ધિશાળી છે એ પણ એટલું જ અગત્યનું છે. આપણે ત્યાં અપવાદ રૂપ નેતા ઓને બાદ કરતા મોટાભાગના નેતાઓનો કોઈ અભ્યાસ નથી હોતો અને સરકારી બાબુઓ પણ મોટેભાગે BA થયેલા હોય છે. આથી તેમની પાસે પણ કોઈ ખાસ દીર્ઘ દ્રષ્ટિની અપેક્ષા નથી રાખી શકાતી. તેનું ઉત્તમ ઉદાહરણ એટલે GSTનો કાયદો. કાયદો અમલમાં આવ્યાને પાંચ વર્ષ થયા એટલે કે લગભગ ૧૮૦૦ જેટલા દિવસ થયા, એટલામાં તો લગભગ ૨૫૦૦ કરતા વધારે સુધારા વધારા થઇ ગયા છે. એ જ દર્શાવે છે કે કાયદો ઘડાયો છે એમના પાસે દીર્ધ દ્રષ્ટિનો સંપૂર્ણ અભાવ છે. આ કાયદો તો એવો છે કે જેમાં વેટના કાયદાની કોપી મારવાની sહતી એમ છતાં આટલા સુધારા વધારા કરવા પડ્યા એજ દર્શાવે છે કે કાયદો પોતેજ જો ભૂલ ભરેલ હોય તો ન્યાય શુદ્ધ ક્યાંથી મળે ?
આથી જેઓ પાસે બુદ્ધિધન છે એવા લોકોની મદદ લેવાતી નથી, જેમણે કાયદો વાંચવાનો છે એવા વકીલ – સી.એ કે સી.એસ, જેમણે કાયદા પર ચુકાદો આપવાનો છે એવા ન્યાયધીશ કે પછી જેમના પર કાયદાનો અમલ કરવાનો છે એવા લોકો, વેપારી કે અન્યવર્ગ આ કોઈને કાયદો ઘડતી વખતે તેમના અભીપ્રાયને ધ્યાને લેવામાં નથી આવતો કે તેમની મદદ નથી લેવામાં આવતી અને આવે છે તો પણ એક ફોર્માલીટીની જેમ લેવાય છે.
કાયદો અને ન્યાયની આવી પરિસ્થિતિ થવાનું કારણ શું ? તો તેનું એક જ કારણ કે Legislation અને Execution આ બન્ને વાતો રાજ સતાના હાથમાં છે પરિણામે આ પરિસ્થતિનું નિર્માણ થાય જ. આથી જ આપણી જૂની ભારતીય પરંપરામાં Legislation અને Execution આ બન્ને ક્ષેત્ર અલગ અલગ વ્યક્તિઓના હાથમાં હતા. Legislation એ ઋષિમુનીઓ કરતા કે જેઓ સમાજની અને રાજ્યસતાની બન્નેની ખુબ જ નજદીક હતા. આથી ઋષિમંડળએ કાયદાનું ઘડતર કરતા અને રાજા તેનો અમલ કરતા. હવે જો રાજા પોતે જ કાયદા ઘડે તો સ્વભાવિક છે કે રાજાને કર ઉધરવવામાં વધારે રસ હોય, પ્રજા દબાયેલી રહે તેમાં વધારે રસ હોય આથી તેઓ હમેશા એવા પ્રકારના કાયદાઓ ઘડે. જયારે Legislation અને Execution આ બન્ને ક્ષેત્ર જો અલગ અલગ વ્યક્તિઓના હાથમાં હોય તો જ પ્રજા માટે યોગ્ય ન્યાય અને યોગ્ય કાનુન શક્ય બને.