કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં દેશભરનાં 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી સુરત શહેરે રાજ્યનું ગૌરવ વધાર્યું. વર્ષ 2023–24માં PM10ના રજકણોમાં 12.71%નો નોંધપાત્ર ઘટાડો કરવામાં સુરત સફળ રહ્યું છે.
2023માં યોજાયેલા ‘સ્વચ્છ વાયુ સુર્વેક્ષણ’માં સુરત શહેરને 13મો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું ત્યારે SMCએ આ વર્ષે ખૂટતી સુવિધાઓ, પગલાઓ અને ત્રુટિઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી નિયત સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં સુરત શહેર સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. નેશનલ ક્લીન એક્શન પ્લાનમાં સુરત મહાપાલિકાએ ભારત સરકાર અને ગુજરાત સરકારની પ્રાથમિકતા અનુસાર કામ કર્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટ, રિન્યુઅલ એનર્જી, ઈલેક્ટ્રિક મોબિલિટી, પ્લાન્ટેશન્સ, ક્લીન ફ્યુઅલ, ટ્રાફિક માટે ઈલેક્ટ્રિક મોબિલિટી અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવ્યું છે.