લેટેસ્ટ વેબ સીરિઝ ‘IC 814: The Kandahar Hijack’માં નામ બાબતે ભારે હોબાળો મચ્યા બાદ અંતે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સે પોતાની ભૂલ સ્વિકારી લીધી છે અને શોના વાંધાજનક કન્ટેન્ટમાં ફેરફાર કરવા માટે સંમત થઈ ગયું છે નેટફ્લિક્સે અમે સીરિઝનાં ડિસ્ક્લેમરમાં અપડેટ કરીને આતંકવાદીઓના અસલી નામ અને કોડ આપ્યા છે.
નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટના વડા મોનિકા શેરગીલે આજે કહ્યું છે કે, ‘1999માં ભારતીય એરલાઈન્સની ફ્લાઈટ 814ના અપહરણને ન જાણનારા દર્શકો માટે વેબસિરીઝના શરૂઆતના ડિસ્ક્લેમરને અપડેટ કરવામાં આવ્યું છે, જેમાં અપહરણકર્તાઓના વાસ્તવિક કોડ અને નામ સામેલ કરાયા છે. ભારતમાં કહાની કહેવાની સ્મૃદ્ધ સંસ્કૃતિ છે અને અમે આ કહાનીઓ અને તેના પ્રામાણિક પ્રતિનિધ્તવને દર્શાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
ઉલ્લેખનીય છે કે, આ સીરિઝમાં આતંકવાદીઓ ભોલા અને શંકરના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સીરિઝમાં નામ અંગે ભારે વિરોધ બાદ સોમવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ જારી કરીને હાજર થઈને સ્પષ્ટીકરણ આપવા કહ્યું હતું. નેટફ્લિક્સ હેડ મોનિકા શેરગિલ સરકાર સમક્ષ હાજર થઈ હતી.
મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને નેટફ્લિક્સ ઈન્ડિયાના વડા મોનિકાની બેઠકમાં આ વિવાદ પર ચર્ચા થઈ હતી. અંતે નેટફ્લિક્સે કેન્દ્ર સરકારને કહ્યું કે તેઓ વેબ સીરિઝ ‘IC 814: The Kandahar Hijack’ના વાંધાજનક ભાગમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. આ સિવાય એ પણ ખાતરી આપવામાં આવી કે ભવિષ્યમાં નેટફ્લિક્સ પર જે પણ ફિલ્મો કે વેબ સીરિઝ રિલીઝ થશે, તે દેશના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.