ભાવનગરની સરકારી શ્રીમતી ન.ચ. ગાંધી અને ભા.વા. ગાંધી મહિલા આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યાએ ભાજપમાં પેજ કમિટિના સભ્ય તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થિનીઓએ પાસપોર્ટ સાઇઝનો ફોટો લઇ આવવા તેમજ સાથે મોબાઇલ લઇ આવવા લેખિતમાં ફરમાન કર્યું હતું. આચાર્યાના આ ફરમાનથી વિવાદ સર્જાયો હતો અને કોંગ્રેસે પણ ઉગ્ર વિરોધ નોંધાવી આચાર્યાને સસ્પેન્ડ કરવાની માંગ ઉચ્ચારતા મામલો ગરમાયો હતો. આખરે આજે આ મહિલા આચાર્યએ પોતે કાર્યકારી આચાર્ય પદેથી રાજીનામુ આપી પોતે મુક્ત થયા હતાં.
સંસ્થાના ટ્રસ્ટી ધીરેનભાઇ વૈષ્ણવે આ મામલે જણાવ્યું હતું કે, ભાજપ પક્ષમાં જાેડાવા માટે સંસ્થા તરફથી કોઇ પરિપત્ર થયો નથી. આ નિર્ણય આચાર્યાનો પોતાનો હોઇ શકે. જાે કે, તેમણે પણ ભુલ સ્વિકારી છે અને સ્વૈચ્છાએ કાર્યકારી આચાર્ય પદ છોડ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અમારી સંસ્થામાં માત્ર શૈક્ષણિક કામગીરી જ થાય છે, કોઇ રાજકીય પક્ષ સાથે સંસ્થા સંકળાયેલી નથી કે તે પ્રકારની કોઇ પ્રવૃત્તિ પણ સંસ્થામાં થતી નથી. ઉલ્લેખનીય છે કે, આ મામલે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવી અને કુલપતિને રજૂઆત કરી આ પ્રકારનો પરિપત્ર કરનાર આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી છે.